સિડનીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. તાબિલાને સ્પષ્ટ કર્યુ છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ ક્રિકેટ સહિત અન્ય કોઈ રમત નહીં રમી શકે. તાલિબાન રાજમાં મહિલાઓની આઝાદી છીનવાઈ જશે તેવી પહેલાથી જ આશંકા હતી અને હવે તે સાચી પડી રહી છે. તાલિહબાન દ્વારા મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ મુકવાની અસર પુરુષ ક્રિકેટ ટીમ પણ પણ જોવા મળી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, જો મહિલા ક્રિકેટને અફઘાનિસ્તાનમાં મંજૂરી નહીં આપવામાં આવે તો હોબાર્ટમાં રમાનારી પુરુષોની ટેસ્ટ મેચ રદ્દ કરી દેવાશે.


અફઘાનિસ્તાનની પુરુષ ટીમે ચાલુ વર્ષે 27 નવેમ્બરથી હોબાર્ટમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. આ મુકાબલો ગત વર્ષે રમાવાનો હતો પરંતુ કોરનાના કારણે લાગુ ટ્રાવેલ પ્રતિબંધોના કારણે મેચ સ્થગિત કરાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને અફગાનિસ્તાન વચ્ચે આ પ્રથમ ટેસ્ટ મેચ હશે.


અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટરના સમર્થનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ વાત


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટના સમર્થનમાં નિવેદન આપીને જણાવ્યું કે, ક્રિકેટ માટે અમારો દ્રષ્ટિકોણ એવો છે કે તે તમામ માટે એક રમત છે અને અમે દરેક સ્તર પર મહિલાઓના રમવાનું સમર્થન કરીએ છીએ. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટનું સમર્થન નહીં કરવામાં આવે તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે હોબાર્ટમાં રમાનારી પ્રસ્તાવિત ટેસ્ટ મેચ રદ્દ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.




તાલિબાને કલ્ચરે શું કહ્યું


તાજેતરમાં તાલિબાન કલ્ચર કમિશનના ડેપ્યુટી હેડ અહમદુલ્લાહ વાસિકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી આપવી જોઈએ તેમ મને નથી લાગતું. મહિલાઓ ક્રિકેટ રમે તે જરૂરી નથી. ક્રિકેટમાં તેમણે તેમનો ચહેરો અને શરીર ન ઢંકાયેલો હોવાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ઈસ્લામ મહિલાઓને આ પ્રકારની છૂટ નથી આપતો. ઈસ્લામ તથા ઈસ્લામિક અમીરાત મહિલાઓને પડદો દૂર કરીને રમાયે તેવી ક્રિકેટ કે અન્ય પ્રકારની રમતો રમવાની મંજૂરી નથી આપતો.