T20 World Cup, India vs Pakistan: ટી20 વર્લ્ડકપમાં રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 152 રનના પડકારને પાકિસ્તાને  17.5 ઓવરમાં વિના વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ 68 રન અને મોહમ્મદ રિઝવાન79 રને અણનમ રહ્યા હતા. ભારતના બોલરો એકપણ વિકેટ લઈ શક્યા નહોતા..આ સાથે પાકિસ્તાનના ઓપનરોએ 9 વર્ષ બાદ મોટો રેકોર્ડ બનાવ્યો હતો.


9 વર્ષ જૂનો તૂટ્યો રેકોર્ડ


જીત સાથે રિઝવાન અને બાબરની જોડીએ નવ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 152 રનની ભાગીદારી પાકિસ્તાનની કોઈ પણ વિકેટ માટે ભારત સામે ટી-20માં સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકના નામે હતો. બંનેએ 2012માં અમદાવાદમાં ચોથી વિકેટ માટે 106 રનની પાર્ટનરશિપ કરી હતી.


ત્રણ દાયકમાં પ્રથમ વખત જીત્યું પાકિસ્તાન


ત્રણ દાયકાના વર્લ્ડકપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારતે પ્રથમ વખત ભૂંડી રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપના ઈતિહાસનો પ્રથમ મુકાબલો 1992માં રમાયો હતો. ત્યારથી તે ભારત સામે જીતી શક્યું નહોતું પરંતુ 24 ઓક્ટોબર, 2021ના રોજ આ સિલસિલો તૂટી ગયો હતો.


ટી-20 વર્લ્ડકપમાં 10 વિકેટથી જીતનારી ચોથી ટીમ


પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડકપમાં લક્ષ્યનો પીછો કરતી વખતે 10 વિકેટથી જીતનારી માત્ર ચોથી ટીમ બની છે. આ પહેલા આ કારનામું ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઓમાનની ટીમ કરી ચુકી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 2007માં 102 રનના ટાર્ગેટને, દક્ષિણ આફ્રિકાએ 2012માં ઝિમ્બાબ્વે સામે 94 રનનો ટાર્ગેટ, ઓમાને 2021માં પાપુઆ ન્યુ ગિની સામે 130 રનનો ટાર્ગેટ તથા પાતિસ્તાને દુબઈમાં 2021માં ભારત સામે 152 રનનો ટાર્ગેટ વિના વિકેટે હાંસલ કર્યો હતો.


રોહિત શર્માનું શરમજનક પ્રદર્શન


પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સાતમી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તે ટી20 વર્લ્ડકપમાં શૂન્ય પર આઉટ થનારો પાંચમો ભારતીય ખેલાડી બન્યો હતો. આ પહેલા દિનેશ કાર્તિક (2007), મુરલી વિજય (2010), આશીષ નેહરા (2010) અને સુરેશ રૈના (2016)માં શૂન્ય રને આઉટ થયા હતા.