T20 World Cup 2021: રવિવારે ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવવાની સાથે જ ભારત ટી20 વર્લ્ડકપમાંથી ફેંકાઈ ગયું હતું. આ દરમિયાન ભારતના બોલિંગ કોચ ભરત અરૂણે આપેલા નિવેદન પર હરભજન સિંહ ભડક્યો છે.
બોલિંગ કોચ ભરત અરૂણે શું કહ્યું
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરૂણે કહ્યું તે, ભારતે ટોસ જીતી લીધો હોત તો ટી20 વર્લ્ડકપમાં ચીજો તેમના માટે અલગ હોત. આઈસીસી ટી20 વર્લ્ડકપની ભારતની અંતિમ મેચ પહેલા ભરત અરૂણે ભારતના નબળા દેખાવ પાછળ બે કારણ જવાબદાર ગણાવ્યા હતા. તેણે કહ્યું કે, ટોસ હારવો અને બાયો બબલ થાક એવા કારણ છે, જેના કારણે ભારતે પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
હરભજને શું કહ્યું
ભરત અરૂણના નિવેદન પર હરભજન સિંહે કહ્યું, વર્લ્ડકપમાં ભારતના બહાર થવાનું કારણ ખરાબ પ્રદર્શન છે, બીજું કંઈ નહીં, તેણે આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સનું ઉદાહરણ આપીને જણાવ્યું કે, પ્રથમ બેટિંગ કરવા છતાં ટીમે ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હાર આપી હતી.
હરભજન સિંહે સ્પોર્ટ્સ તક પર કહ્યું, મેં ભરત અરૂણને એવું કહેતા સાંભળ્યા કે જો ભારત ટોસ જીત્યું હોત તો આમ કરી શક્યા હોત. આ બધું મેચ બાદ ચર્ચા માટે છે. ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં આઈપીએલ નહોતી જીતી ? તેમણે 190 રન બનાવ્યા, તેથી તમારે રન બનાવવા પડે. આપણે આ તથ્યને સ્વીકારવું જોઈએ કે આપણે સારી રમત નહોતી દાખવી અને આશા પર ખરા નહોતા ઉતર્યા.
હરભજન સિંહે કહ્યું કે, જો કોચ બહાના બાજી શરૂ કરી દે તો ખરાબ અસર પડે છે. તેમણે બહાના બતાવવાના બદલે ભારતનું પ્રદર્શન તેમની અપેક્ષા મુજબ નહોતું તે સ્વીકારવું જોઈએ. જે ટીમને વિશ્વ ઉચ્ચ સ્તરના પ્રદર્શન માટે ઓળખે છે અને આગળ જઈને પણ ટીમના બહાના શોધવાના બદલે સારી રમત બતાવવી જોઈએ. ટોસ જીત્યા હોત તો મેચ પણ જીત્યો હોત તેવી ચીજોથી કામ નથી ચાલતું. એવી પણ ટીમો છે જેમણે ટોસ નથી જીત્યો પણ મેચ જીતી છે. આવી વાતો એવી ટીમો દ્વારા કરવામાં આવે છે, જે પૂરી રીતે વિકસિત નથી હોતી પરંતુ ભારત એક મજબૂત ટીમ છે. એક ચેમ્પિયન ટીમ છે. જો કોચ આવા બહાના બતાવે તો ખરેખર ખોટી વાત છે. આપમે સારું પ્રદર્શન નથી કર્યુ તે સ્વીકારી લેવું જોઈએ.