T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ 2022ની ટૂર્નામેન્ટ અંતિમ પડાવમાં પહોંચી છે. 9 અને 10 નવેમ્બરના રોજ સેમિફાઈનલ મુકાબલા રમાશે. ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલમાં કઈ ટીમ રમવા જઈ રહી છે તે અંગે તમામ ક્રિકેટ વિશ્લેષકો પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડી વિલિયર્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપતાં ભવિષ્યવાણી કરી છે. ડી વિલિયર્સનું કહેવું છે કે ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.


એબી ડી વિલિયર્સે કરી ભવિષ્યવાણીઃ


મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા એબી ડી વિલિયર્સે કહ્યું છે કે, "મને લાગે છે કે ફાઈનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે અને ભારત વર્લ્ડ કપ જીતશે. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. ભારતની આખી ટીમ ઘણી પ્રતિભાશાળી છે."






10 નવેમ્બરના રોજ સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે છે જ્યારે 9 નવેમ્બરના રોજ ન્યુઝીલેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે અને  આસાનીથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમને પણ સેમીફાઈનલમાં પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. પાકિસ્તાનને છોડીને ઈંગ્લેન્ડે પણ આસાનીથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.


ફેન્સ ભારત-પાકિસ્તાનની ફાઈનલ જોવા આતુર


એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકશે નહીં, પરંતુ પાક. ટીમે જોરદાર વાપસી કરીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે દર્શકોની ભારત-પાકિસ્તાનની ફાઈનલ જોવાની ઈચ્છા તેજ થઈ ગઈ છે. સુપર-12 મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું અને જો બંને ટીમો ફાઇનલમાં ટકરાશે તો આ મેચ ખૂબ જ રોમાંચક બની શકે છે.