ZIM vs BAN T20 World Cup 2022:  ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલો T20 વર્લ્ડ કપ 2022માં બાંગ્લાદેશની ટીમે બીજી જીત નોંધાવીને પાકિસ્તાન ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. પોતાની ત્રીજી મેચમાં બાંગ્લાદેશની ટીમે ઝિમ્બાબ્વેને 3 રને હરાવ્યું હતું. આ મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી.






આ જીત સાથે બાંગ્લાદેશની ટીમના ત્રણ મેચમાં 4 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે તે તેના સુપર-12ના ગ્રુપ-2માં બીજા નંબર પર પહોંચી ગઈ છે. તેણે ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા (3) અને ઝિમ્બાબ્વે (3)ને પણ પાછળ છોડી દીધા છે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની બંને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે ટોપ પર છે.






બાંગ્લાદેશે ટોસ જીતીને 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો


આ મેચમાં બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 31 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ઓપનર નજમુલ હુસૈન સેન્ટોએ 55 બોલમાં 71 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 7 વિકેટે 150 રન સુધી પહોંચાડ્યો હતો. સેન્ટો સિવાય અફીફ હુસૈને 29 રન ફટકાર્યા હતા.


151 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી. ટીમે માત્ર 35 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સીન વિલિયમ્સે બાજી સંભાળી હતી પરંતુ અંતે ટીમને જીત અપાવી શક્યો નહોતો. તેણે 43 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી.


ઝિમ્બાબ્વેના ઓપનર કાંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. વેસ્લે મધેવેરે 4 તો ક્રેગ એર્વિન આઠ રન બનાવી આઉટ થયા હતા. બાદમા મુસ્તફિઝુરે મિલ્ટન શુંબાને આઠ રને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ ફોર્મમાં રહેલા સિકંદર રજા શૂન્ય રન પર આઉટ થયો હતો. શોન વિલિયમ્સે રયાન બર્લ સાથે અડધી સદીની ભાગીદારી નોંધાવી ટીમને જીતની નજીક પહોંચાડી હતી પરંતુ તે 19મી ઓવરમાં 64 રન બનાવી રન આઉટ થયો હતો.