T20 World Cup 2022: ભારત અને બાંગ્લાદેશની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યાર બાદ વરસાદ શરુ થતાં મેચ રોકવી પડી હતી અને મેચની ઓવર ટૂંકાવીને 16 ઓવર કરવામાં આવી હતી અને રનનો ટાર્ગેટ 151 કરવામાં આવ્યો હતો. વરસાદ પડ્યો તે પહેલાં બાંગ્લાદેશનો ઓપનર બેટ્સમેન લિટન દાસ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો.


કેએલ રાહુલે લિટન દાસને કર્યો રન આઉટઃ


વરસાદ પડ્યા બાદ રમત શરુ થઈ હતી અને લિટન દાસનું અર્ધશતક પૂર્ણ થઈ ચુક્યું હતું. ત્યાર બાદ આર અશ્વીન 8મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. જ્યાં ઓવરના બીજા બોલ પર બે રન લેવા જતાં લિટન દાસ રન આઉટ થયો હતો. કેએલ રાહુલે 30 યાર્ડ સર્કલ પરથી ફેંકેલો બોલ સીધો સ્ટમ્પને વાગ્યો હતો અને લિટન દાસ આઉટ થયો હતો. કેએલ રાહુલે લિટન દાસને રન આઉટ કરતાં ભારતને મોટી સફળતા મળી હતી. લિટન દાસ 27 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. ICC દ્વારા પણ ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને કેએલ રાહુલની પ્રસંશા કરવામાં આવી છે.






ભારતે બનાવ્યા 184 રનઃ


બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો નિર્ણય સાચો સાબિત થયો અને તસ્કીન અહેમદ અને હસન મહમૂદે શરૂઆતમાં મજબૂત બોલિંગ કરીને ભારતીય ઓપનિંગ જોડીને મુશ્કેલીમાં મુકી દીધી. અહીં રોહિત શર્મા 2 રન બનાવીને જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. હસન મહમુદે રોહિત શર્મને આઉટ કર્યો હતો.


KL રાહુલ અને વિરાટે બાજી સંભાળીઃ


રોહિતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંને વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. અહીં કેએલ રાહુલ 32 બોલમાં 50 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ પછી કોહલી અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. આજની મેચમાં સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન બનાવીને શાકિબ અલ હસનના બોલ પર આઉટ થયો હતો.


વિરાટની વિસ્ફોટક ઈનિંગઃ


વિરાટ કોહલી એક છેડે રહ્યો પરંતુ બીજા છેડેથી વિકેટો સતત પડતી રહી હતી. હાર્દિક પંડ્યા 5 રન, દિનેશ કાર્તિક 7 રન અને અક્ષર પટેલ 7 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. જો કે, વિરાટ કોહલીએ 44 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી.