IND vs PAK, T20 World Cup 2022 : T20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ ટીમો વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. આ વર્ષનો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. તમામ ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો વચ્ચેની મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ 23 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ આ મેચ થવાની શક્યતા ઓછી છે.


વરસાદ બની શકે છે વિલન


વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે. પરંતુ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં વરસાદ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મેલબોર્નમાં 20 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં આ મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા તમામ ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટી શકે છે. હવામાનની આગાહી અનુસાર, 23 ઓક્ટોબરે વરસાદની 60% શક્યતા છે. સાથે જ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.


મેચ રદ્દ થાય તો શું થશે


ભારે વરસાદને લીધે જો આ મેચ રદ થાય છે તો બંને ટીમને 1-1 અંક મળશે. આઇસીસીએ આ સંબંધિત નિર્દેશન પહેલાં જ જાહેર કરી ચૂકી છે. ખાસ વાત તો  એ છે કે સુપર 12 સ્ટેજની મેચો માટે કોઇ રિઝર્વ ડે પણ ફાળવવામાં આવ્યો નથી તેથી રદ થયેલ મેચ બીજા દિવસે રમવાનું પણ શક્ય બનશે નહીં.


કરોડો ચાહકોના દિલ તૂટી જશે


વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે એશિયા કપમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમો કુલ બે મેચ રમી હતી. જેમાંથી ભારત અને એક મેચ પાકિસ્તાને જીતી હતી. ભારતીય ચાહકો ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે મળેલી હારનો બદલો લેવા માટે રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાનનો આવો મિજાજ કરોડો ચાહકોના દિલ તોડી શકે છે. ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે.


T20 માં હેડ ટુ હેડ આંકડા કેવા છે


ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 ઈન્ટરનેશનલમાં કુલ 11 મેચ રમાઈ છે. જેમાંથી 8 મેચ ભારતે જીતી છે. જ્યારે 3 મેચ પાકિસ્તાને જીતી છે. જો કે ટી20માં ભારતનો હાથ ઉપર છે. પરંતુ ગત વર્લ્ડ કપમાં મળેલી હારને કારણે ભારત પાકિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે.