Rohit Sharma On IND vs BAN Match: ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 16 ઓવરમાં 151 રનની જરૂર હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. જોકે, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે જીતીને 185 રન બનાવ્યા હતા પરંતુ વરસાદને કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે 27 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


'હું નર્વસ અને શાંત પણ હતો'


બાંગ્લાદેશ સામેની આ જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન હું શાંત હોવાની સાથે સાથે નર્વસ પણ હતો. આ મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, અમે અમારી રણનીતિ પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારતીય કેપ્ટને કહ્યું કે વરસાદ બાદ બાંગ્લાદેશની 10 વિકેટ બાકી હતી, તેથી મેચ ગમે તે બાજુ જઇ શકે તેમ હતી. આ સાથે તેણે અર્શદીપ સિંહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જસપ્રીત બુમરાહની ગેરહાજરી બાદ અમારી ટીમને આવા બોલરોની જરૂર હતી, યુવા ખેલાડી માટે આ સરળ નહોતું, પરંતુ અર્શદીપ સિંહે તે કરી બતાવ્યું. આ સિવાય તેણે વિરાટ કોહલી અને કેએલ રાહુલના વખાણ કર્યા હતા. ભારતીય ટીમની ફિલ્ડિંગ પર રોહિત શર્માએ કહ્યું કે આ મેચમાં અમારી ફિલ્ડિંગ શાનદાર રહી. અમારા ખેલાડીઓએ નિર્ણાયક મેચમાં શાનદાર કેચ લીધા, સાચું કહું તો મને મારી ટીમની ફિલ્ડિંગ પર ક્યારેય શંકા નહોતી.


વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો


એક સમયે બાંગ્લાદેશની ટીમે 7.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 68 રન બનાવી લીધા હતા, પરંતુ વરસાદ પછી બાકીના બેટ્સમેનો શ્રેષ્ઠ શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. બાંગ્લાદેશના ઓપનર નજમુલ હુસેન શાંતો અને લિટન દાસે પ્રથમ વિકેટ માટે આક્રમક 68 રનની ભાગીદારી કરી હતી. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. આ પહેલા વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સ માટે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.