Danushka Gunathilaka: સિડની પોલીસે શનિવારે શ્રીલંકાના ઓપનર દાનુષ્કા ગુનાથિલકાની ધરપકડ કરી છે. તેની સામે બળાત્કારનો આરોપ છે. આરોપ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલમાં તે સિડનીમાં છે જ્યારે શ્રીલંકાની બાકીની ટીમ કોલંબો જવા રવાના થઈ ગઈ છે.
શ્રીલંકા ક્રિકેટના સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક મહિલાએ દાનુષ્કા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેની ફરિયાદના આધારે 31 વર્ષીય દાનુષ્કાની સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે.
દાનુષ્કા પર 29 વર્ષની એક મહિલાએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે દાનુષ્કાએ તેના ઘરે તેનું જાતીય શોષણ કર્યું છે. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં બની હોવાનું કહેવાય છે.ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે 'બંને એક ઓનલાઈન ડેટિંગ એપ પર ઘણા દિવસની વાતચીત મારફતે એકબીજાને મળ્યા હતા. આરોપ છે કે 2 નવેમ્બર 2022ની સાંજે દાનુષ્કાએ મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. આ પછી પોલીસે બીજા દિવસે મહિલાના ઘરે 'રોઝ બે' ખાતે ક્રાઇમ સીનની તપાસ કરી હતી. તપાસ બાદ 31 વર્ષીય દાનુષ્કાની સિડનીની સસેક્સ સ્ટ્રીટ પરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુનાથિલકાને ટીમ હોટલથી સીધો સિડની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના પર સહમતિ વિના સેક્સ કરવા અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ધરપકડ
નોંધનીય છે કે શ્રીલંકાની ટીમે ટી-20 વર્લ્ડકપ 2022ના સુપર-12માં જગ્યા બનાવી લીધી હતી. તેણે ગ્રૂપ-1માં તેની છેલ્લી મેચ શનિવારે (5 નવેમ્બર) ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ મેચ દરમિયાન દાનુષ્કા ટીમ સાથે હતો. આ મેચમાં શ્રીલંકાનો પરાજય થયો હતો. આ મેચ બાદ પોલીસે દાનુષ્કાની ધરપકડ કરી હતી.
શ્રીલંકાની ટીમ આ વખતે ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી શકી નથી. જેના કારણે ટીમ હવે પોતાના દેશ પરત ફરી છે. પરંતુ દાનુષ્કા તેની સાથે નથી, કારણ કે તેની ધરપકડ કરવામાં આવી છે. દાનુષ્કા શ્રીલંકાની ટીમ સાથે વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો પરંતુ ઈજાના કારણે તે અધવચ્ચે જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી તેના સ્થાને અશેન બંડારાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
દાનુષ્કા વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ રમી શક્યો
શ્રીલંકાની ટીમે તેના ગ્રુપ-12માં પાંચ મેચ રમી હતી જેમાં માત્ર બેમાં જ જીત થઈ હતી. આ રીતે ટીમ 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમે તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેનો 4 વિકેટે પરાજય થયો હતો. બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલ દાનુષ્કા આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ રમ્યો હતો. આ મેચ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં નામીબિયા સામે થઈ હતી. દાનુષ્કા આ મેચમાં સારી બેટિંગ કરી શક્યો નહોતો અને શૂન્યમાં જ આઉટ થયો હતો. આ મેચમાં નામિબિયાએ શ્રીલંકાને 55 રનથી હરાવ્યું હતું.