Kapil Dev on Rohit Sharma and Virat Kohli: T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ 27 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. આ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેમાં રોહિત શર્માની સેના જીત માટે મેદાનમાં ઉતરશે. 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને રોહિત શર્મા અને વિરાટ કોહલીની કપ્તાની શૈલી વચ્ચેના રસપ્રદ તફાવતો દર્શાવ્યા હતા. જે બાદ કપિલ દેવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


કપિલ દેવે રોહિત અને કોહલીની તુલના કરી
રોહિત શર્માની સરખામણી વિરાટ કોહલી સાથે કરતાં કપિલે દેવે કહ્યું કે રોહિત પોતાની આક્રમકતા એ રીતે વ્યક્ત કરતો નથી જે રીતે હંમેશા ઉત્સાહી વિરાટ કોહલી કરે છે.


કપિલ દેવે એબીપી લાઈવ પ્રોગ્રામમાં કહ્યું - "રોહિત વિરાટની જેમ નથી રમતો, નથી કૂદતો. પરંતુ તે પોતાની મર્યાદાઓ જાણે છે અને આ મર્યાદાઓમાં તેના કરતા સારો ખેલાડી કોઈ નથી."


કપિલ દેવે કેપ્ટન રોહિતના વખાણ કર્યા હતા
રોહિતના પ્રભાવ વિશે વધુ ટિપ્પણી કરતાં, કપિલે કહ્યું કે ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેટલાક અન્ય મહાન ખેલાડીઓથી અલગ હતા, જેમણે ટીમના ફાયદા કરતાં પોતાના ફાયદાને આગળ રાખ્યા હતા. કપિલે કહ્યું- "ઘણા મોટા ખેલાડીઓ આવે છે, તેઓ તેમની કારકિર્દીની કાળજી રાખે છે, તેઓ પણ આ જ પરિપ્રેક્ષ્ય સાથે કેપ્ટનશીપ કરે છે. તેથી રોહિતને એક વધારાની કળા છે કારણ કે તે આખી ટીમને ખુશ રાખે છે."


T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માનું શાનદાર પર્ફોમન્સ આવ્યું સામે
રોહિત શર્મા માત્ર T20 વર્લ્ડ કપમાં તેની કેપ્ટનશિપ માટે પ્રશંસા મેળવી રહ્યો નથી. હકીકતમાં, તેણે T20 વર્લ્ડ કપ 2024માં ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન પણ બનાવ્યા છે. રોહિત શર્મા સેમિફાઇનલ મેચ પહેલા 6 મેચ રમી ચૂક્યો છે. આ 6 મેચમાં તેણે 159.16ની સ્ટ્રાઈક રેટથી 191 રન બનાવ્યા છે. T20 વર્લ્ડ કપ 2024ની 11મી સુપર-8 મેચમાં રોહિત શર્માએ 224.39ની સ્ટ્રાઈક રેટથી 41 બોલમાં 92 રન બનાવ્યા હતા. આ સાથે રોહિત શર્મા તે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આમ આ વર્લ્ડ કપમાં રોહિત શર્માનું શાનદાર પર્ફોમન્સ સામે આવ્યું છે.