રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ટીમે ગ્રુપ સ્ટેજમાં અને પછી સુપર-8માં તેની તમામ મેચો જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.






ભારતીય ટીમ માટે સૌથી સારી વાત એ છે કે તેણે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારતીય ટીમની સેમિફાઇનલ મેચ 27 જૂને ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.


શું ભારતની સેમિફાઇનલમાં રિઝર્વ ડે હશે?


પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે આ મેચ પર વરસાદનો ખતરો છે. જો વરસાદ પડે અને સેમિફાઈનલ મેચ ધોવાઈ જાય તો? શું આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? જો મેચ રદ થશે તો શું ભારતીય ટીમ બહાર થઈ જશે? ચાલો જાણીએ આ બધા સવાલોના જવાબ...


આ વર્લ્ડ કપમાં એક સસ્પેન્સ છે. એટલે કે બીજી સેમિફાઈનલ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમિફાઈનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે.


જો મેચ રદ કરવી પડશે તો પરિણામ શું આવશે?


27 જૂને મેચના દિવસે ગુયાનામાં વરસાદની ભારે સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સેમિફાઇનલ મેચ વરસાદના કારણે ધોવાઇ શકે છે. આવી સ્થિતિમાં પ્રથમ 4 કલાક 10 મિનિટના વધારાના સમયમાં મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આમ નહીં થાય તો તેના ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેલી ટીમને ફાયદો થશે અને તે સીધો ફાઇનલમાં પ્રવેશ કરશે.


એટલે કે માત્ર ભારતને જ ફાયદો થશે. ભારતીય ટીમે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાની ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે. જ્યારે ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ બહાર થઈ જશે.