IND vs PAK: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ મહિલા એશિયા કપના(Women's Asia Cup)  કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. આ ટુર્નામેન્ટ 19મી જુલાઈથી શરૂ થશે અને 28મી જૂલાઈ સુધી ચાલશે. ભારતીય ટીમ પહેલા તેની મેચ 19મી જૂલાઈએ UAE સામે રમવાની હતી, પરંતુ ફેરફારને કારણે હવે ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાશે. જે 19મી જુલાઈએ જ રમાવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, જેને ચાર ટીમોના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aની વાત કરીએ તો ભારતની સાથે નેપાળ અને UAEને રાખવામાં આવ્યા છે.






મહિલા એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો રેકોર્ડ


મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 12 વખત સામ સામે ટકરાયા છે. જેમાંથી ટીમ ઈન્ડિયા 11 વખત વિજયી બની છે. પાકિસ્તાન ટીમની એકમાત્ર જીત 2022 એશિયા કપમાં થઈ હતી, જ્યાં ભારતને ગ્રુપ સ્ટેજમાં 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં તેની 12મી જીત નોંધાવવા માંગશે. બંને કટ્ટર હરીફો 2012 અને 2016 એશિયા કપની ફાઇનલમાં પણ સામસામે આવી ચૂક્યા છે અને બંન્ને મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો અને ટ્રોફી જીતી હતી.


એશિયા કપમાં ભારતની મેચ


ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, નેપાળ અને UAE પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 19 જુલાઈએ પાકિસ્તાન સામેની મેચથી કરશે, જ્યારે 21 જુલાઈએ ટીમ UAE સામે ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ તેની છેલ્લી મેચ નેપાળ સામે રમશે.


ભારત 7 વખત ચેમ્પિયન બન્યું છે


મહિલા એશિયા કપની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી, ત્યારબાદ આ ટૂર્નામેન્ટ કુલ 8 વખત રમાઈ છે. એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે કે ભારત હંમેશા મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં અત્યાર સુધીમાં 8 ફાઈનલ રમી છે, જેમાંથી તેણે 7 વખત એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમનું ટાઇટલ જીતી છે. ફાઇનલમાં ભારતનો એકમાત્ર પરાજય 2018માં બાંગ્લાદેશ સામે થયો હતો.