T20 World Cup 2024:  ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું છે.






ટી-20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આફ્રિકાએ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લક્ષ્યાંકનો પીછો કરતા આફ્રિકાએ મેચમાં એકતરફી જીત નોંધાવી હતી. આફ્રિકાએ 9 વિકેટે જીત મેળવી હતી.


ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેના માટે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. દરમિયાન માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ ટીમ માટે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા આફ્રિકાએ 8.5 ઓવરમાં 1 વિકેટે 60 રન બનાવીને જીત મેળવી હતી.


આ રીતે આફ્રિકાએ સરળ જીત મેળવી


57 રનના નાના લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હોવા છતાં ટીમે એકતરફી જીત હાંસલ કરી હતી. આફ્રિકાને પહેલો ફટકો બીજી ઓવરના પાંચમા બોલ પર ક્વિન્ટન ડી કોકના રૂપમાં લાગ્યો હતો, જેને ફઝલહક ફારૂકીએ બોલ્ડ કર્યો હતો. ડી કોકે 8 બોલમાં 1 ફોરની મદદથી માત્ર 5 રન બનાવ્યા હતા. જોકે, આ પછી આફ્રિકાએ એકપણ વિકેટ ગુમાવી ન હતી.


ત્યારબાદ બીજી વિકેટ માટે રીઝા હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરામે અણનમ 55 (43 બોલ)ની અતૂટ ભાગીદારી કરી અને ટીમને સરળતાથી વિજય અપાવ્યો હતો. રીઝા હેન્ડ્રિક્સે 25 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 29 રન બનાવ્યા હતા અને કેપ્ટન માર્કરામે 21 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 23 રન બનાવ્યા હતા. 


ક્રિકેટ વર્લ્ડ કપની કોઈપણ સેમિફાઈનલમાં આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાના નામે હતો. ટી- વર્લ્ડ કપ 2010ની સેમિફાઇનલમાં શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામે 128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.