Team India Squad: ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ 2024ના અંત પછી ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટી-20 મેચ રમાશે. બીસીસીઆઈએ હાલમાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી, જેમાં આઈપીએલ 2024માં ધૂમ મચાવનાર નીતિશ રેડ્ડીને પણ તક આપવામાં આવી હતી. હવે BCCIએ નવું નિવેદન જાહેર કરીને કહ્યું છે કે શિવમ દુબે ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં નીતિશ રેડ્ડીનું સ્થાન લેશે.






આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી બેટિંગ કરતી વખતે નીતિશ રેડ્ડીએ 303 રન કર્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, શિવમ દુબે હાલમાં ટી-20 વર્લ્ડ કપ 2024માં રમી રહ્યો છે, જ્યાં તેણે અત્યાર સુધી 7 મેચમાં 106 રન બનાવ્યા છે. છેલ્લી બે મેચના પ્રદર્શનને જોતા કહી શકાય કે તેનું ફોર્મ પરત ફર્યું છે.


ભારત-ઝિમ્બાબ્વે શ્રેણી ક્યારે શરૂ થશે?


ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 6 જૂલાઈથી શરૂ થશે અને બંને ટીમો વચ્ચે 14 જૂલાઈ સુધી 5 T20 મેચ રમાશે. આ સીરીઝમાં શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી છે અને હવે આ ટીમમાં શિવમ દુબે એકમાત્ર એવો ખેલાડી હશે જેણે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત માટે કોઈ મેચ રમી હોય. ભારતીય ટીમ 1લી જૂલાઈએ ઝિમ્બાબ્વે જવા રવાના થઈ રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ સહિત ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.


ભારતની ટીમ


શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે.