T20 World Cup 2024: ICC T20 વર્લ્ડ કપ 2024 ની 11મી મેચ અમેરિકા (USA) અને પાકિસ્તાન વચ્ચે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. સ્કોરનો પીછો કરવા ઉતરેલી અમેરિકન ટીમ પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. આ પછી સુપર ઓવર રમાઈ હતી.






સુપર ઓવરમાં અમેરિકા તરફથી એરોન જોન્સ અને હરમીત સિંહ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને 19 રનનો ટાર્ગેટ આપ્યો. આ પછી 19 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 6 બોલમાં 13 રન જ બનાવી શકી હતી. સુપર ઓવરમાં પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદ અને ફખર ઝમાન બેટિંગ કરવા આવ્યા હતા, જ્યારે અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે બોલિંગ કરી હતી.


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે તે સંજોગોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યો. અમેરિકાએ મેચમાં અમારા કરતા સારી બોલિંગ અને બેટિંગ કરી હતી. તેણે કહ્યું કે પ્રથમ બેટિંગ કરતી વખતે અમે પ્રથમ 6 ઓવરમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. સતત 2 વિકેટ પડવાને કારણે બેક ફૂટ પર આવી ગયા હતા.  મેચ બાદ બાબરે કહ્યું કે અમારા સ્પિનરો પણ વચ્ચેની ઓવરોમાં વિકેટ નહોતા લઇ શક્યા જે અમને ભારે પડ્યું છે. બાબરે કહ્યું કે અમેરિકા અમારા કરતા સારું રમ્યું. બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ, તેણે અમારા કરતાં સારું પ્રદર્શન કર્યું.


12 જૂને અમેરિકા ભારત સામે ટકરાશે


ભારત સામેની મેચ પહેલા અમેરિકા 2 મેચમાં 2 જીત સાથે ગ્રુપ Aમાં ટોપ પર પહોંચી ગયું છે. અમેરિકાએ તેની પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની આગામી મેચ 9 જૂને ભારત સામે છે. જ્યારે 12 જૂને અમેરિકા ભારત સામે ટકરાશે.


પાકિસ્તાન સાથે રમાયેલી મેચમાં અમેરિકાના લેફ્ટ આર્મ સ્પિનર ​​નોસ્તુશ કેન્ઝીગે 30 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જેના કારણે પાકિસ્તાનની ટીમ સાત વિકેટે 159 રન જ બનાવી શકી હતી. તેથી અમેરિકાનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સાચો સાબિત થયો. મેચની બીજી ઓવરમાં જ સ્ટીવન ટેલરે મોહમ્મદ રિઝવાનને સૌરભ નેત્રાવલકરના બોલ પર કેચ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી ફખર ઝમાને આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પાંચમી ઓવરમાં અલી ખાનના બોલ પર ટેલરને આસાન કેચ આપ્યો. પાકિસ્તાને 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ રિઝવાન 9 રન, ઉસ્માન ખાન 3 અને ફખર ઝમાન 11 રન બનાવીને આઉટ થયા હતા.