India vs Pakistan T20 World Cup 2026 date and time: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 2026 T20 વર્લ્ડ કપનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં USA સામે ટકરાઈને કરશે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટાલીની ટીમ પ્રથમ વખત જોવા મળશે.
વર્લ્ડ કપનો રોમાંચ: 7 ફેબ્રુઆરીથી શરૂઆત
ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે અને તેની પૂર્ણાહુતિ 8 માર્ચે થશે. વર્તમાન ચેમ્પિયન ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા (USA) સામે રમશે. ત્યારબાદ ભારતીય ટીમ લીગ રાઉન્ડમાં નામિબિયા, ચિર-પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ જેવી ટીમોનો સામનો કરશે.
અમદાવાદમાં ફાઈનલ, પણ પાકિસ્તાન માટે નિયમ અલગ
ICC ના કાર્યક્રમ મુજબ, વર્લ્ડ કપની ગ્રાન્ડ ફિનાલે 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જોકે, આયોજનમાં એક વિશેષ શરત રાખવામાં આવી છે. જો પાકિસ્તાનની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે, તો સુરક્ષાના કારણોસર આ ટાઈટલ મેચ અમદાવાદને બદલે શ્રીલંકાના કોલંબોમાં ખસેડવામાં આવશે. આવી જ રીતે, સેમિફાઈનલ મેચ મુંબઈમાં રમાવાની છે, પરંતુ જો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચે છે, તો તેમની મેચ પણ કોલંબોમાં જ યોજાશે.
20 ટીમો અને 8 મેદાન પર જામશે જંગ
T20 વર્લ્ડ કપ 2026 માં કુલ 20 ટીમો વિશ્વ વિજેતા બનવા માટે જોર લગાવશે. આ વખતે ખાસ વાત એ છે કે ઈટાલીની ટીમે પ્રથમ વખત આ મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. ICC ના અહેવાલ મુજબ, ટુર્નામેન્ટની મેચો કુલ 8 સ્થળોએ રમાશે. જેમાં ભારતના 5 શહેરો (દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ) અને શ્રીલંકાના શહેરો (કોલંબો અને કેન્ડી વગેરે) નો સમાવેશ થાય છે.
ભારતનો T20 વર્લ્ડ કપ 2026 નો કાર્યક્રમ:
7 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ USA (મુંબઈ)
12 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નામિબિયા (દિલ્હી)
15 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (કોલંબો)
18 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ (અમદાવાદ)