T20 World Cup 2024 Final: T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ કેશવ મહારાજની ઓવરમાં ભારતને બે મોટા ઝટકા લાગ્યા હતા. આ પછી ભારતના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન સૂર્યાને રબાડાએ પેવેલિયન મોકલ્યો હતો. આ પછી ભારતનો સ્કોર 3 વિકેટે 34 રન હતો. કેપ્ટન રોહિતે હાર્દિકના સ્થાને અક્ષર પટેલને પાંચમા નંબરે મોકલીને ટીમને ચોંકાવી દીધી હતી.


જે બાદ અક્ષર અને કોહલીએ ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવી હતી. આ ઈનિંગમાં અક્ષરે 31 બોલમાં 47 રનની ઈનિંગ રમી જેમાં 4 સિક્સ અને 1 ફોરનો સમાવેશ થાય છે. કેશવ મહારાજના બોલ પર અક્ષરે શાનદાર શોટ રમ્યો અને બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો. આ દરમિયાન અક્ષર પટેલે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે કોહલીની બરોબરી કરી હતી.


T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા બેટ્સમેન



  • 6 - એમ સેમ્યુઅલ્સ વિ શ્રીલંકા, કોલંબો, 2012

  • 4 - મિસ્બાહ-ઉલ-હક વિ ભારત, જોહનિસબર્ગ, 2007

  • 4 - વિરાટ કોહલી વિ શ્રીલંકા, મીરપુર, 2014

  • 4 - સી બ્રેથવેટ વિ ઈંગ્લેન્ડ, કોલકાતા, 2016

  • 4 - મિશેલ માર્શ વિ ન્યુઝીલેન્ડ, દુબઈ, 2021

  • 4 - અક્ષર પટેલ વિ સાઉથ આફ્રિકા, બ્રિજટાઉન, 2024


 અક્ષર પાંચમા નંબરે આવ્યો અને તેણે ભારતની આખી ઇનિંગને મજબૂતી આપી. તેના શોટ્સ જોઈને દરેક ભારતીય ચાહક આનંદથી ઉછળી પડ્યા હતા. અક્ષરની આ ઈનિંગ જોઈને દરેક ક્રિકેટ ફેન તેના ફેન બની ગયા છે. વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે 72 રનની શાનદાર ભાગીદારી જોવા મળી હતી.


અક્ષર પટેલ ભારત માટે આવું કામ કરી ચૂક્યો છે. અક્ષરને પણ રોહિતે T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન સામે ઉચ્ચ બેટિંગ કરવા મોકલ્યો હતો. જેમાં તે રનઆઉટ થઈને વહેલો પેવેલિયન ગયો હતો. આ વર્લ્ડ કપમાં પણ અક્ષર પાકિસ્તાન સામે બેટિંગ કરવા આવ્યો હતો. જેમાં તેના બેટમાંથી સારી ઇનિંગ જોવા મળી હતી.


ભારતની પ્લેઇંગ ઇલેવન


  ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા આ પ્રમાણે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ


સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન


એઇડન માર્કરામ (કેપ્ટન), , રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કે જેન્સન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેજ શમ્સી