T20 World Cup: દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ 2024માં શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકાની જીતમાં ક્વિન્ટન ડી કોકના 20 રન અને હેનરિક ક્લાસેનના 19 રનનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ સમગ્ર ટીમ માત્ર 77 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે કુસલ મેન્ડિસે સૌથી વધુ રન કર્યા હતા. તેણે 19 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકા ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે શરૂઆતમાં પિચ તેમને સાથ આપતી ન હતી કારણ કે બેટ્સમેનોએ એક-એક રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.






દક્ષિણ આફ્રિકા સામે 78 રનનો ટાર્ગેટ હતો, પરંતુ એક સમયે આ સ્કોર પણ તેમના માટે પહાડ સમાન સાબિત થઈ રહ્યો હતો. સાઉથ આફ્રિકાએ પાવરપ્લેમાં રીઝા હેન્ડ્રીક્સ અને એડન માર્કરામની વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લે ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટના નુકસાને 27 રન બનાવી લીધા હતા. આ દરમિયાન, ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે 28 રનની ભાગીદારી થઈ હતી. ટીમે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા અને ટીમને જીતવા માટે હજુ 60 બોલમાં 31 રનની જરૂર હતી. ડી કોક સેટ હતો અને તેણે 20 રન બનાવ્યા હતા, પરંતુ વાનિન્દુ હસરંગાએ તેને આઉટ કરીને મેચમાં રોમાંચ વધાર્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ પણ હસરંગાના બોલ પર 13 રન બનાવીને આઉટ થયો હતો, જ્યાંથી મેચ ફસાઇ ગઇ તેવુ લાગતું હતું. ડેવિડ મિલરે 17મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને 22 બોલ બાકી રહેતા દક્ષિણ આફ્રિકાની જીત સુનિશ્ચિત કરી હતી.


T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર


શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સામે માત્ર 77 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર 87 રન હતો, જે તેણે 2010 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો.