Rishabh Pant and Rohit Sharma: બર્મિંગહામમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 49 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની ટી-20 સીરિઝ 2-0થી જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.






આ મેચમાં રોહિત શર્મા અને વિકેટકીપર ઋષભ પંતે ઓપનિંગ કરી હતી. ઋષભ પંત પ્રથમવાર ઓપનિંગ કરવા આવ્યો હતો. બીજી મેચ દરમિયાન બેટિંગ કરતા સમયે ઋષભ પંત અને રોહિત શર્મા વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.


વીડિયોમાં સાંભળી શકાય છે કે ઋષભ પંત કેપ્ટન રોહિત શર્મા પાસે અંગ્રેજ ખેલાડીને ટક્કર મારવાની મંજૂરી લેતો સાંભળી શકાય છે. તેમની વચ્ચેની વાતચીત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઇ હતી. હવે આ ફની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


ઋષભ પંત રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. ડેવિડ વિલી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરના ત્રીજા બોલ પર જ્યારે રિષભ પંત રન લેવા માટે દોડ્યો ત્યારે ડેવિડ વિલી તેના રસ્તામાં આવ્યો. આના પર પંતે રોહિત શર્માને પૂછ્યું, 'સામે આવી ગયો હતો, ટક્કર મારી દઉં? જેના પર રોહિત શર્માએ તરત જવાબ આપ્યો હતો કે ‘માર દે ઔર ક્યા'


ભારતે એજબેસ્ટન T20 49 રને જીતી લીધું


એજબેસ્ટન ખાતે રમાયેલી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્મા (31) અને ઋષભ પંત (26)ની મજબૂત ઓપનિંગ જોડી અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજાના 46 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ ઓવરથી જ વિકેટો પડતી રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 49 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમે આ ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ જીતી લીધી છે. ભારતે પ્રથમ મેચ 50 રને જીતી હતી.