કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછુ ફરી ચૂક્યું છે. 20 વર્ષના યુદ્ધ બાદ હવે અફઘાનિસ્તાનમાં એકવાર ફરી તાલિબાનનું રાજ આવી ગયું છે ત્યારે દેશમાં અરાજકતા ફેલાઇ છે. તાલિબાને અફઘાનિસ્તાનના ક્રિકેટને લઇને મોટો નિર્ણય લીધો છે. તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને આશ્વાસન આપ્યું છે કે તે ક્રિકેટના મામલામાં કોઇ હસ્તક્ષેપ કરશે નહી અને તે આ રમતને પુરી રીતે સમર્થન આપશે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પુષ્ટી કરી હતી કે તેમની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચનો કાર્યક્રમ યથાવત રાખશે અને તેમાં કોઇ સમસ્યા નથી. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા જતા અગાઉ 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેશે. જોકે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ ક્યાં અનેક્યારે રમાશે તેને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ નથી.
જોકે, તાજેતરમાં જ પાકિસ્તાન વિરુદ્ધ તેમની સીરિઝ રદ થઇ હતી. ગયા વર્ષે કોરોનાના કારણે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટમાં યોજાનારી એક માત્ર ટેસ્ટ રદ કરી દેવામા આવી હતી. આ મેચ ગયા વર્ષે 27 નવેમ્બરથી એક ડિસેમ્બર વચ્ચે રમાવાની હતી. તાલિબાને સત્તા સંભાળ્યા બાદ 3 સપ્ટેમ્બરથી શરૂ થનારી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે સીરિઝ સ્થગિત કરી દીધી હતી. આ સીરિઝ શ્રીલંકામાં રમાવાની હતી.
અગાઉ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઇઓ હામિદ શેનવારીએ કહ્યું હતું કે, અમે ખેલાડીઓન સ્થિતિ અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાથીને ટુનામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. વર્તમાન સ્થિતિમાં સીરિઝનું આયોજન સંભવ નથી.
તાલિબાનના કલ્ચરલ કમીશનના ઉપ પ્રમુખ અહમદુલ્લાહ વાસિકે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટ મેચ યોજના અનુસાર રમાશે. તાલિબાન અન્ય દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે અને તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અડચણ પેદા કરવા માંગતા નથી. એસબીએસ પશ્તો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, નક્કી કાર્યક્રમ અનુસાર તમામ ક્રિકેટ મેચ રમાશે અને અફઘાનિસ્તાન ટીમ અન્ય ઇન્ટરનેશનલ ટીમો વિરુદ્ધ પણ ક્રિકેટ રમી શકે છે. ભવિષ્યમાં અમે બાકી દેશો સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ. સારા સંબંધો રહેશે તો અફઘાનિસ્તાનના ખેલાડીઓ ત્યાં જઇ શકશે અને પાછા પણ આવી શકશે.