India vs Zimbabwe 4th T20: ભારતે ઝિમ્બાબ્વેને ટી20 શ્રેણીની ચોથી મેચમાં ભુંડી રીતે હરાવી દીધું. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે હરારેમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ બંનેએ ઝિમ્બાબ્વેના બોલરોની હાલત ખરાબ કરી નાખી. ટીમ ઈન્ડિયાની જીતમાં તેમનું સૌથી મહત્વનું યોગદાન રહ્યું. આ બંનેએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.


યશસ્વી અને શુભમનની જોડી ટીમ ઈન્ડિયા માટે ટી20 ઈન્ટરનેશનલમાં ઓપનર તરીકે સૌથી વધુ રનોની ભાગીદારી નિભાવવાના મામલે પાંચમા નંબરે આવી ગઈ છે. આ યાદીમાં પહેલા નંબરે પણ ગિલ અને યશસ્વીની જોડીનો જ સ્કોર છે. જોકે રોહિત શર્મા અને કેએલ રાહુલ પણ સંયુક્ત રીતે ટોપ પર છે.


ખરેખર ભારત માટે ટી20માં ઓપનિંગ જોડી તરીકે સૌથી મોટો સ્કોર રોહિત અને રાહુલે 2017માં શ્રીલંકા સામે બનાવ્યો હતો. આ બંનેએ 165 રનની ભાગીદારી નિભાવી હતી. ત્યારબાદ ગિલ અને યશસ્વીએ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે 165 રનની ભાગીદારી નિભાવી. રોહિત અને શિખર ધવનની જોડી 160 રન અને 158 રનની ભાગીદારી નિભાવી ચૂકી છે. હવે ગિલ અને યશસ્વીનો એક સ્કોર નંબર 5 પર આવી ગયો છે. આ બંનેએ હરારેમાં ઝિમ્બાબ્વે સામે 156 રનની ભાગીદારી નિભાવી.


જણાવી દઈએ કે ઝિમ્બાબ્વેએ ટી20 શ્રેણીની પહેલી મેચમાં જીત નોંધાવી હતી. ભારતે આ મેચ 13 રને ગુમાવવી પડી હતી. પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ મેચ જીતી. ભારતે બીજી મેચ 100 રને જીતી હતી. જ્યારે ત્રીજી ટી20 મેચ 23 રને જીતી. ભારતે શનિવારે ચોથી મેચ 10 વિકેટે જીતી. હવે શ્રેણીની છેલ્લી મેચ રવિવારે રમાશે.


ભારતે ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ઝિમ્બાબ્વેના બોલરો ટીમ ઈન્ડિયાની ઓપનિંગ ભાગીદારીને તોડી શક્યા ન હતા. એક તરફ યશસ્વી જયસ્વાલે 53 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી તો બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે પણ 39 બોલમાં 58 રનનું મહત્વનું યોગદાન આપ્યું. પહેલા રમતા ઝિમ્બાબ્વેએ સ્કોરબોર્ડ પર 152 રન બનાવ્યા હતા અને ભારતે 28 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.


ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમ તરફથી સિકંદર રઝાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે ટીમ માટે મોટી ઇનિંગ રમનાર ડીયોન માયર્સ આ વખતે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. જવાબમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે લક્ષ્યનો પીછો કર્યો અને પ્રથમ 10 ઓવરમાં ટીમનો સ્કોર 106 રન સુધી પહોંચાડ્યો. અહીંથી ટીમને છેલ્લા 60 બોલમાં માત્ર 47 રન બનાવવાના હતા. અહીંથી ટીમ ઈન્ડિયા માટે જીત ખૂબ જ સરળ બની ગઈ હતી. જીત સાથે જ ભારતે મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા હતા.