IND vs ENG Test: શનિવારે (25 જૂન) રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં, રોહિત શર્મા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કોરાનાથી સંક્રમિત હોવાના સમાચારે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. 5 દિવસ પછી, ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. રોહિત શર્માએ નિયમો અનુસાર પોતાનું આઇસોલેશન પૂર્ણ કરવું પડશે. આવી સ્થિતિમાં તેની આ ટેસ્ટ મેચમાં રમવાની શક્યતા ઘણી ઓછી છે. હવે ટીમ મેનેજમેન્ટ માટે સમસ્યા એ છે કે જો તે સ્વસ્થ ન થાય તો કેપ્ટનશિપની જવાબદારી કોને સોંપવી.
જો કેએલ રાહુલ આ ટીમમાં હોત તો આ બાબત ટીમ ઈન્ડિયા માટે આટલી મોટી સમસ્યા ઉભી ન કરી હોત, પરંતુ ઈજાના કારણે કેએલ રાહુલ પહેલેથી જ આ મેચની ટીમમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે હવે ચાર દાવેદાર બાકી છે.
શું વિરાટ ફરીથી કમાન સંભાળશે?
વિરાટ કોહલીએ આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી કેપ્ટનશિપ રોહિત શર્માના હાથમાં આવી. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે શું ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટમાં વિરાટ કેપ્ટન રહેશે? પરંતુ આ ચર્ચાઓમાં કોઈ યોગ્યતા નથી. વિરાટ આવું ક્યારેય નહીં કરે. કારણ કે, અગાઉ 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલી શ્રીલંકા ટેસ્ટમાં પણ વિરાટને કેપ્ટનશિપની ઓફર કરવામાં આવી હતી કારણ કે તે તેની કારકિર્દીની 100મી ટેસ્ટ હતી પરંતુ કોહલીએ આ ઓફર ફગાવી દીધી હતી.
બુમરાહ, ઋષભ કે પુજારા?
કેએલ રાહુલ શ્રેણીમાંથી બહાર થયા બાદ જસપ્રીત બુમરાહને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં કેપ્ટનશિપનો સૌથી મોટો દાવેદાર છે. શક્ય છે કે, BCCI ટૂંક સમયમાં તેની જાહેરાત કરે. ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા પણ અન્ય દાવેદારોમાં છે. પરંતુ તેમના નામની ચર્ચા થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
રોહિત શર્માના ટેસ્ટમાં રમવાના ચાન્સ શું છે?
નિયમો અનુસાર, રોહિતે 5 દિવસનું આઇસોલેશન પૂર્ણ કરવું પડશે. એટલે કે મેચના એક દિવસ પહેલાં જ તે પોતાના આઈસોલેશનમાંથી બહાર આવશે. આવી સ્થિતિમાં, તે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે, પરંતુ એક દિવસ પહેલા જ આઈસોલેશન પૂર્ણ થવાને કારણે તે ન તો ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનનો ભાગ બની શકશે અને ન તો રણનીતિમાં સામેલ થઈ શકશે. ત્યારબાદ તેણે તે જ દિવસે લીસેસ્ટરથી બર્મિંગહામ જવા રવાના થવું પડશે. આ બધું જોતાં રોહિતની ટેસ્ટમાં રમવાની આશા ઓછી છે.