નવી દિલ્હીઃ 2002 નેટવેસ્ટ સીરિઝની ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 13 જુલાઈના રોજ રમાઈ હતી. ભારતીય ક્રિકેટનો કોઈપણ ફેન કદાચ આ મેચ નહીં ભૂલ્યા હોય. લોર્ડ્સના મેદાન પર ભારતે ઈંગ્લેન્ડ સામે 326 રનનો ટાર્ગેટ હાંસલ કરીને શાનદાર જીત મેળવી હતી. તે વખતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલકનીમાં શર્ટમાં ઉતારીને હવામાં ફેરવ્યો હતો.


મોહમ્મદ કૈફ અન યુવરાજ સિંહ ભારતની આ ભવ્ય જીતના હીરો હતા. નાસિર હુસૈનની કેપ્ટનશિપવાળી ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. કૈફ અને યુવરાજે 121 રનની પાર્ટનરશિપ કરી ભારતને જીત અપાવી હતી. આ મેચ અંગે કૈફે કહ્યું કે, મને અમિતાભ બચ્ચન જેવો અનુભવ થઈ રહ્યો હતો.



ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં લખેલી કોલમમાં કૈફે મેચ બાદના જશ્ન અંગે જણાવ્યું છે. તેણે લખ્યું, જ્યારે હું અલાહાબાદ પરત ફર્યો ત્યારે એવો જશ્નનો માહોલ હતો કે હેન્ડલ ન કરી શક્યો. હું ઘણો શરમાળ વ્યક્તિ છું. લોકો મારા ઘરે આવતા હતા. મા બધાને ચા-નાસ્તો કરાવતી હતી.  મને ઓપન જીપમાં મારા ઘર સુધી લઈ જવામાં આવ્યો હતો. પાંચ-છ કિલોમીટરનું અંતર કાપવામાં મને ત્રણ-ચાર કલાક લાગી ગયા હતા. જ્યારે હું બાળક હતો ત્યારે અમિતાભ બચ્ચને મેં ચૂંટણીમાં જીત બાદ આવી જ રીતે ઓપન જીપમાં જતા જોયા હતા. તે દિવસે મને પણ અમિતાભ બચ્ચન જેવો અનુભવ થયો હતો.

કૈફે આ મેચમાં 75 બોલમાં અણનમ 87 રનની ઈનિંગ રમી હતી. યુવરાજ સિંહ આઉટ થયા બાદ તેણે હરભજન સાથે સાતમી વિકેટ માટે 47 રનની પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી. કૈફ મેન ઓફ ધ મેચ બન્યો હતો. 18 વર્ષ બાદ કૈફને તે જીતને યાદ કરી લખ્યું, તે જીતે ભારતીય ક્રિકેટને હંમેશા બદલીને રાખી દીધી. તે જીતે જણાવ્યું કે અમે મોટા સ્કોરનો પીછો કરીને મોટી ફાઈનલ જીતી શકીએ છીએ.