Sreesanth Virat Kohli Team India World Cup: ચેમ્પિયન્સ ટ્રોફી 2013 બાદ ટીમ ઇન્ડિયા આઇસીસીની એક પણ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. આ વર્ષ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ વિરાટ કોહલીને મળી હતી. જોકે તે પોતાની કેપ્ટન્સી હેઠળની ટીમને એક પણ ટાઈટલ અપાવી શક્યો નહતો. હાલમાં જ પૂર્વ ક્રિકેટર એસ.શ્રીસંતે આ અંગે દાવો કર્યો છે.  તેણે કહ્યું,  જો હું કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયા માટે રમ્યા હોત, તો અમે વર્લ્ડ કપ જીતી ગયા હોત.


ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારત હારી ગયું હતું. ટીમ ઈન્ડિયાએ 2019 અને 2021 ના વર્લ્ડ કપમાં મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીસંતે કહ્યું કે જો હું વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા માટે રમ્યો હોત તો અમે વર્લ્ડ કપ જીતી જાત. અમે સચિન તેંડુલકર માટે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો.


શ્રીસંત એક સમય માટે ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ બોલરોમાંના એક હતા. તેણે તેની કારકિર્દી દરમિયાન 27 ટેસ્ટ મેચ રમી હતી અને આ સમયગાળા દરમિયાન તેણે 87 વિકેટ ઝડપી હતી. તેણે 53 વન ડેમાં 75 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 10 ટી-20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ ઝડપી છે. પરંતુ આઇપીએલમાં ફિકસીંગના કારણે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે બાદ શ્રીસંતની ક્રિકેટ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું.


શ્રીસંતને થપ્પડ મારનાર હરભજન સિંહે 14 વર્ષ પછી પોતાની ભૂલ સ્વીકારી


IPLની પહેલી સીઝન એટલે કે વર્ષ 2008માં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારવા મુદ્દે હવે અફસોસ વ્યક્ત કર્યો હતો. પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજને આ ઘટનાના 14 વર્ષ બાદ થોડા દિવસો પહેલા પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારે શ્રીસંતને થપ્પડ નહોતી મારવાની, એ દિવસે જે થયું તે ખુબ જ ખોટું થયું. હરભજન સિંહે આગળ કહ્યુ કે, રમતમાં લાગણીઓ હંમેશાં તમારી સાથે રહે છે પરંતુ તેના પર કાબૂ કરવાનો હોય છે. એ દિવસે જે પણ થયું એ મારી ભૂલ હતી. આઈપીએલની શરુઆતની પહેલી સિઝનમાં હરભજન સિંહ મુંબઈ ઈંડિયન્સ તરફથી રમી રહ્યો હતો જ્યારે શ્રીસંત યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો હતો.