નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝ શરૂ થતા પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ટીમ ઇન્ડિયા નવી જર્સીમાં દેખાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે એમપીએલ સ્પૉર્ટ્સની સાથે જર્સી માટે કરાર થયો હોવાની જાણકારી આપી છે. એમપીએલ સ્પૉર્ટ્સે બીસીસીઆઇની સાથે ત્રણ વર્ષ માટે ટીમ ઇન્ડિયા, અંડર 19 ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જર્સીનો કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો છે.

એમપીએલ સ્પૉર્ટ્સ ટીમ ઇન્ડિયાની કિટ સ્પૉન્સર છે. એમપીએલ અને બીસીસીઆઇની વચ્ચે નવેમ્બર 2020થી લઇને ડિસેમ્બર 2023ના અંત સુધી ત્રણ વર્ષનો કરાર થયો છે. ટીમ ઇન્ડિયાની સાથે એમપીએલના કરારની શરૂઆત ઓસ્ટ્રેલિયા સીરીઝથી થશે.

આ કરાર બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એમપીએલ સ્પૉર્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી જર્સી પહેરીને રમવા ઉતરશે. આ ઉપરાંત એમપીએલ સ્પૉર્ટસ ટીમ ઇન્ડિયાને બીજા જરૂરી સામાનો પણ અવેલેબલ કરાવશે. બીસીસીઆઇ સચિવ જય શાહે આ પાર્ટનરશીપને દેશના ક્રિકેટ માટે મોટુ પગલુ ગણાવ્યુ છે.