ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું બેંગલુરુમાં ક્રિકેટ એકેડમી પહોંચવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્રવિડના સન્માનમાં સ્થાનિક યુવા ખેલાડીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. તાજેતરમાં દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે, મુખ્ય કોચ તરીકે દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સાથે સમાપ્ત થઈ ગયો છે.
જ્યારે દ્રવિડ બેંગ્લોર ક્રિકેટ એકેડેમી પહોંચ્યો ત્યારે યુવા ખેલાડીઓએ તેમના સન્માનમાં બેટ ઉંચા કર્યા અને એકેડેમીના કોચિંગ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે દ્રવિડનું સ્વાગત કર્યું હતું. દ્રવિડે ત્યાં હાજર લોકોનું અભિવાદન પણ કર્યું અને હસીને બધા સાથે હાથ મિલાવ્યો હતો. દ્રવિડે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું અને 2012 સુધી દેશ તરફથી ક્રિકેટ રમ્યો હતો. બીજા બધાની જેમ દ્રવિડનું સપનું પણ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું હતું. જોકે, કોચ તરીકે તે આ સપનું પૂરું કરવામાં સફળ રહ્યો હતો.
દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 2007માં વેસ્ટ ઈન્ડિઝમાં વન-ડે વર્લ્ડ કપ રમ્યો હતો પરંતુ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું અને ભારતની સફર ગ્રુપ સ્ટેજમાં જ અટકી ગઈ હતી. 2021માં દ્રવિડ ભારતીય ટીમના કોચ બન્યા અને તેમના કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીમ 2022 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ, 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી. જો કે તે સમયે ભારતીય ટીમ સફળતા મેળવી શકી ન હતી, પરંતુ દ્રવિડ આખરે તેના કાર્યકાળની છેલ્લી ટુર્નામેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો હતો. દ્રવિડના નેતૃત્વમાં જ ટીમે ગયા વર્ષે શ્રીલંકાને હરાવીને એશિયા કપ જીત્યો હતો. બેંગલુરુમાં સ્થાનિક ક્રિકેટ એકેડમી દ્વારા બહાર પાડવામાં આવેલા વિડિયોમાં દ્રવિડે મેદાન પર પાછા ફરવા અને ઉભરતી પ્રતિભાઓને તૈયાર કરવા પર તેની ખુશી વ્યક્ત કરી હતી.