Team India T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024માં (T20 World Cup 2024) ટીમ ઈન્ડિયાની સફર અત્યાર સુધી ઘણી શાનદાર રહી છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતીને સુપર 8માં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેઓ હવે તેમની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ કેનેડા સામે 15 જૂને ફોર્ટ લોડરડેલ, ફ્લોરિડામાં રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના બે ખેલાડી ભારત પરત ફરી શકે છે.


ભારતીય પસંદગીકારોએ T20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024)  માટે 15 સભ્યોની ટીમ સાથે 4 રિઝર્વ ખેલાડીઓ પણ મોકલ્યા છે. આ ચાર ખેલાડીઓ છે શુભમન ગિલ (Shubhman Gill), રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન (Aavesh Khan). ક્રિકબઝના અહેવાલ મુજબ, શુભમન ગિલ અને અવેશ ખાન અમેરિકન લેગની સમાપ્તિ પછી ભારત પરત ફરશે. આ બંને ખેલાડીઓ હાલમાં ટીમ સાથે છે અને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ માટે ન્યૂયોર્કથી ફ્લોરિડાના ફોર્ટ લોડરડેલ પહોંચ્યા છે.


રિપોર્ટ અનુસાર ગિલ અને અવેશના વિઝા માત્ર યુએસએ ટૂર માટે છે. આવી સ્થિતિમાં જો 15 જૂને રમાનાર મેચ સુધી મુખ્ય ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય તો આ બંને ખેલાડીઓ સ્વદેશ પરત ફરશે. તમને જણાવી દઈએ કે, ટીમમાં ત્રીજો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પણ છે અને કદાચ વધારાના ફાસ્ટ બોલરની જરૂર નહીં પડે કારણ કે કેરેબિયન સ્ટેજમાં ટીમને સ્પિનરો પર વધુ નિર્ભર રહેવાની અપેક્ષા છે. જોકે, રિંકુ અને ખલીલ ટીમ સાથે રહેશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ બાદ બ્રિજટાઉન અને બાર્બાડોસનો પ્રવાસ કરવાનો છે.


ટીમ ઈન્ડિયા તેની સુપર 8ની પ્રથમ મેચ 20 જૂને રમશે. આ પછી, બીજી સુપર 8 મેચ 22મી જૂને એન્ટિગુઆમાં અને ત્રીજી સુપર 8 મેચ 24મી જૂને સેન્ટ લુસિયામાં છે. જો તેઓ સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે 27 જૂને જ્યોર્જટાઉન, ગયાનામાં થશે અને ફાઇનલ 29 જૂને બ્રિજટાઉનમાં થશે. ટીમ ઈન્ડિયા 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બાકીની 2 મેચ કોણ રમશે તે હજુ નક્કી થયું નથી.