Cheteshwar Pujara Hopeful Of Making India Test Comeback: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર થઈ ગયેલા ચેતેશ્વર પૂજારાએ પુનરાગમનની આશા જીવંત રાખી છે. 35 વર્ષીય પુજારા હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી રોયલ લંડન વન ડે કપ ટુર્નામેન્ટમાં સસેક્સ ટીમ તરફથી રમી રહ્યો છે. પુજારાના બેટમાં પણ સમરસેટ સામેની મેચમાં 117 રનની શાનદાર અણનમ સદીની ઇનિંગ જોવા મળી હતી.


ચેતેશ્વર પુજારાએ આ સદી બાદ સસેક્સ ક્રિકેટ સાથે વાત કરતા કહ્યું કે તેણે ટીમ ઈન્ડિયામાં વાપસીની આશા હજુ છોડી નથી. તેને વિશ્વાસ છે કે જો તે આગામી ડોમેસ્ટિક સિઝનમાં ફરીથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારો દેખાવ કરશે તો તે ટીમમાં પરત ફરી શકે છે.


પુજારાએ કહ્યું કે જુઓ, હું ફક્ત તે જ વસ્તુઓ પર કામ કરું છું જે મારા હાથમાં છે. હું જે પણ મેચ રમું છું તેમાં મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરું છું. હું હજુ પણ ટીમ પ્લાનિંગમાં સામેલ છું. એટલા માટે મને ખાતરી છે કે જ્યારે પણ હું ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રન બનાવવાનું શરૂ કરીશ, ત્યારે હું ટીમમાં પાછો આવીશ, પરંતુ અત્યારે હું વર્તમાનમાં જીવવા માંગુ છું જેથી કરીને હું એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.






અત્યારે મારું ધ્યાન સસેક્સ માટે સારું કરવા પર છે


સસેક્સ ટીમ તરફથી રમતા ચેતેશ્વર પુજારાએ 117 રનની અણનમ ઇનિંગ દરમિયાન 11 ચોગ્ગા ફટકાર્યા હતા અને ટીમને મેચમાં 4 વિકેટથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂજારાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે જુઓ, અમે આગામી 2 થી 3 મહિના સુધી કોઈ ટેસ્ટ સીરિઝ નથી રમી રહ્યા. અમારે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે આગામી ટેસ્ટ શ્રેણી રમવાની છે, આવી સ્થિતિમાં મારું સંપૂર્ણ ધ્યાન માત્ર સસેક્સ ટીમ સાથે રમવા પર છે.


35  વર્ષીય ચેતેશ્વર પુજારાએ અત્યાર સુધીમાં 103 ટેસ્ટમાં 11 વખત નોટ આઉટ રહીને 7195 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન નોટ આઉટ છે. તેણે 19 સદી અને 25 અડધી સદી ફટકારી છે. 254 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે 19429 રન બનાવ્યા છે, જેમાં સર્વોચ્ચ સ્કોર 352 રન છે. લિસ્ટ – એની 121 મેચમાં 5556 રન નોંધાવ્યા છે. જ્યારે 71 ટી20માં 1556 રન બનાવ્યા છે.