નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયામાં બંધ પડેલી ક્રિકેટ હવે ધીમે ધીમે વાપસી કરી રહી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝથી વાપસી કરી લીધી છે. હવે ધીમી ધીમે અન્ય ટીમો વાપસી કરવાની તૈયારીઓમાં છે.


ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝે તો ક્રિકેટ મેચોમાં વાપસી કરી લીધી છે, આમાંથી કેટલીક ટીમોએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ વાપસી કરી લીધી છે. પણ હવે ભારતીય ટીમ આ માટે ટ્રેનિંગ શરૂ કરવાની તૈયારીમાં છે.

અંગ્રેજી અખબાર ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ દુબઇમાં ભારતીય ટીમનો ટ્રેનિંગ કેમ્પ લગાવવાનુ આયોજન કરી રહી છે. રિપોર્ટ એવા પણ છે કે આ કેમ્પમાં ફક્ત ટૉપ ક્રિકેટરો જ સામેલ થશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા પહેલા ઓછામાં ઓછા છ અઠવાડિયાના સમયનો અભ્યાસ કરવા માંગે છે. ભારતીય ટીમે છેલ્લા ચાર મહિનાથી ક્રિકેટ નથી રમી, જેની અસર ખેલાડીઓની ફિટનેસ પર પડી શકે છે.



જાણકારી અનુસાર, ભારતમાં આઇપીએલ 2020નુ આયોજન સંભવ નથી. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ લીગ યુએઇમાં રમાઇ શકે છે. આ પહેલા આઇપીએલ 2014ની શરૂઆતી મેચો પણ યુએઇમાં જ રમાઇ હતી. ફ્રેન્ચાઇઝીઓ પણ ઇચ્છે છે કે આઇપીએલ પહેલા ખેલાડીઓને પ્રેક્ટિસ માટે પર્યાપ્ત સમય મળે.

આઇપીએલના આયોજન અંગે હજુ સુધી કોઇ ચોક્કસ સમય નથી નક્કી થયો, પણ મનાઇ રહ્યું છે કે આઇપીએલ 2020 આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં રમાઇ શકે છે.