Indian Cricket Team Rankings: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ બુધવારે રમાશે. બંને ટીમો મોહાલીમાં સામસામે ટકરાશે. તો બીજી તરફ, કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાસે ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચવાની તક છે. વાસ્તવમાં જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ODI મેચમાં હરાવશે તો ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી જશે.


ભારતીય ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં ટોચ પર રહેવાની તક 


ભારતીય ટીમ ટેસ્ટ અને ટી20 રેન્કિંગમાં ટોપ પર છે. પરંતુ જો ભારતીય ટીમ પ્રથમ ODI મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહે છે તો તે ODI ફોર્મેટમાં પણ નંબર-1 ટીમ બની જશે. આ રીતે ભારતીય ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં ટોચ પર રહેવાની તક છે. હાલમાં બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ICC ODI રેન્કિંગમાં ટોચ પર છે. પરંતુ ભારતીય ટીમ પાસે પાકિસ્તાનને પાછળ છોડવાની તક છે.


ICC ODI રેન્કિંગમાં કઈ ટીમો ક્યાં છે?


ICC ODI રેન્કિંગમાં ટોચ પર રહેલા પાકિસ્તાનના 27 મેચમાં 115 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ભારતીય ટીમના 41 ODI મેચમાં 115 રેટિંગ પોઈન્ટ છે. આ રીતે ભારત અને પાકિસ્તાનના રેટિંગ પોઈન્ટ સમાન છે. તો બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ટીમ ICC ODI રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના 28 મેચમાં 113 રેટિંગ પોઈન્ટ છે. ICC ODI રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડના અનુક્રમે 106 અને 105 રેટિંગ પોઈન્ટ છે. આ પછી બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ ટોપ-10 ટીમોની યાદીમાં છે.


અક્ષર પટેલની ઈજાના કારણે વર્લ્ડકપ ટીમમાં થઈ શકે છે ફેરફારઃ અશ્વિન-સુંદર દાવેદાર


જોકે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ત્રીજી વનડે માટે ટીમમાં વાપસી કરશે. વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ પ્રથમ બે વનડેમાંથી સીનિયર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે એ વાત પણ સામે આવી છે કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે. અક્ષર પટેલની ઈજાના કારણે પસંદગીકારોએ તેના સ્થાને બદલવા અંગે વિચારવું પડશે. આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. આથી આ બંને ખેલાડીઓને ત્રણેય વનડે માટે ટીમમાં રાખવામાં આવ્યા છે. શક્ય છે કે અશ્વિન અને સુંદરમાંથી કોઈ એકને વર્લ્ડ કપની ટિકિટ મળે.


ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ કાર્યક્રમ


ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમવાની છે. પ્રથમ ODI 22 સપ્ટેમ્બરે રમાશે જ્યારે બીજી ODI 24 સપ્ટેમ્બરે રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.


પ્રથમ બે વનડે માટેની ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા , પ્રસિદ્ધ કૃષ્ણ , આર અશ્વિન , વોશિંગ્ટન સુંદર.


ત્રીજી વનડે માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર.