નવી દિલ્હીઃ આઇપીએલની 48મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ જીત અપાવનારા સૂર્યકુમાર યાદવની ચારેયબાજુ પ્રસંશા થઇ રહી છે. મુંબઇની આ જીતના હીરો સૂર્યકુમારની બેટિંગને લઇને હવે ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રી પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. સૂર્યકુમાર યાદવે 43 બૉલમાં 79 રનોની અણનમ રમત રમી, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવને નમસ્કાર કર્યા છે.


ટીમ ઇન્ડિયાના હેડ કૉચ રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવની પ્રસંશા કરતા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર સાથે લખ્યું- સૂર્ય નમસ્કાર, મજબૂત રહિએ અને ધૈર્ય રાખો સૂર્યકુમાર યાદવ. રવિ શાસ્ત્રીની આ વાત સૂર્યકુમારને ટીમ ઇન્ડિયા સામેલ કરવા અંગેનો આડકતરો ઇશારો છે.

આઇપીએલ 2020માં સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં છે. આ સિઝનમાં 12 મેચોમાં તે 40.22ની એવરેજ અને 155.36ની સ્ટ્રાઇક રેટથી 362 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેને 48 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. ડૉમેસ્ટિક ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહેલા સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિલેક્ટ થવાની આશા હતી, પરંતુ તેને જગ્યા મળી નહીં.

ઉલ્લેખનીય છે કે, મેચ વિનિંગ ઇનિંગ રમનારા સૂર્યકુમાર યાદવે લઇને અગાઉ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન કીરોન પોલાર્ડે પણ પ્રસંશા કરી હતી. ખાસ વાત છે કે લૉકડાઉન દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, જેના કારણે આઇપીએલમાં સફળ થઇ શક્યો.