IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે મોટો દાવ રમ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન માટે મુંબઈએ ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી દીધી છે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક કેપ્ટન બનશે. મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત પાસેથી કેપ્ટનશિપ લેવાનો નિર્ણય આશ્ચર્યજનક છે.


હાર્દિકને આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળવાની સાથે જ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું તે આ ફોર્મેટમાં રોહિત કરતા વધુ સારો કેપ્ટન છે ? ચાલો આંકડાઓના સંદર્ભમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીએ કે હાર્દિક અને રોહિત વચ્ચે કોણ શ્રેષ્ઠ કેપ્ટન છે.



રોહિત શર્માનો આઈપીએલ રેકોર્ડ


રોહિત શર્માએ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 158 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન તેમના નેતૃત્વમાં ટીમે 87 મેચ જીતી છે. આ સાથે જ રોહિતને કેપ્ટન તરીકે 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોહિતની જીતની ટકાવારી 55.06 રહી છે. રોહિત તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન પણ બનાવી ચૂક્યો છે.



હાર્દિક પંડ્યાનો આઈપીએલ રેકોર્ડ


IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી છે. કેપ્ટન તરીકે છેલ્લી બે સીઝન હાર્દિક માટે શાનદાર રહી છે. હાર્દિકે સુકાનીપદમાં પદાર્પણ કરતા જ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સાથે જ ગત સિઝનમાં પણ તેની કેપ્ટનશીપમાં ગુજરાત ફાઇનલમાં પહોંચ્યું હતું. હાર્દિકે આઈપીએલમાં કુલ 31 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી તેણે 22માં જીત મેળવી છે અને કેપ્ટન તરીકે માત્ર 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટનશિપમાં હાર્દિકની જીતની ટકાવારી 70.97 રહી છે.


શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે, રોહિત કે હાર્દિક?


રોહિત શર્માની સરખામણીમાં હાર્દિકે IPLમાં બહુ ઓછી મેચોમાં કેપ્ટનશિપ કરી છે. આવી સ્થિતિમાં તેની હિટમેન સાથે સરખામણી કરવી યોગ્ય નથી. જોકે, કેપ્ટન તરીકે હાર્દિક આ લીગમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરે છે.  મેચ દરમિયાન હાર્દિકે પોતાની સમજણથી ખૂબ જ સારી રીતે રમત રમી છે. IPLમાં રોહિતની કેપ્ટનશીપમાં રમીને હાર્દિક કેપ્ટન બનવા લાયક બન્યો છે. હાર્દિકે રોહિત અને ધોની પાસેથી કેપ્ટનશિપના ઘણા ગુણો શીખ્યા છે, જે તેની કેપ્ટનશિપમાં સ્પષ્ટ દેખાય છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial