મુંબઈઃ ‘ધ કપિલ શર્મા શો’માં ભારતીય ક્રિકેટર પૃશ્વી શોએ ગુજરાતના ચેતેશ્વર પૂજારાને સૌથી વહેમી અને અંધશ્રધ્ધાળુ ક્રિકેટર ગણાવ્યા હતા. કપિલ શર્માએ પૂછેલા સવાલના જવાબમાં પૃથ્વી શોએ કહ્યું કે, પૂજારાજી બેટિંગ કરવા જાય એ પહેલાં બેટ, ગ્લોવ્ઝ, ગાર્ડ્સ, હેલ્મેટ વગેરે દર વખતે ચોક્કસ પેટર્નમાં જ ગોઠવીને બેસે છે.


પૃથ્વી શોએ કહ્યું કે, પૂજારાજી બેટિંગ કરવા માટે પોતાના વારાની રાહ લજોતા હોય ત્યારે પોતાની ચોક્કસ જગા સૌથી પહેલાં નક્કી કરી દે ચે ને પછી શાકભાજીવાળો જે રીતે અલગ અલગ શાક ને ભાજી ચોક્કસ પેટર્નથી ગોઠવીને બેસે એ રીતે બેટ, ગ્લોવ્ઝ, ગાર્ડ્સ, હેલ્મેટ વગેરે દર વખતે ચોક્કસ પેટર્નમાં જ ગોઠવીને બેસે છે. એક પણ વાર આ પેટર્નમાં કોઈ ફેરફાર થતો નથી ને દરેક વાર એકસરખું દૃશ્ય જ જોવા મળે છે.


‘ધ કપિલ શર્મા શો’ રવિવારના એપિસોડમાં ભારતીય ક્રિકેટર ટીમના ઓપનર્સ તથા પ્રખ્યાત ક્રિકેટર શિખર ધવન અને પૃથ્વી શો મહેમાન બન્યા હતા.  કપિલ શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. ‘ધ કપિલ શર્મા શો’માં કપિલે શિખર ધવન અને પૃથ્વી શોને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરો વિશે સવાલ પૂછ્યા હતા.  


આ શોમાં કપિલ શર્માએ શિખર ધવન અને પૃથ્વી શોને એવો સવાલ પણ પૂછ્યો હતો કે, ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી કંજૂસ ખેલાડી કોણ છે ? શિખર ધવન અને પૃથ્વી શો બંને થોડી વાર માટે વિચારમાં પડી ગયા હતા ને એ પછી શિખર ધવને જડ્ડુ એટલે કે રવિન્દ્ર જાડેજાનું નામ આપ્યું હતું.


આ ઉપરાંત ક્યો ક્રિકેટર સૌથી વધારે ડરાવે છે એવા સવાલના જવાબમાં પૃથ્વી શોએ ઈશાન કિશનનું નામ આપ્યું હતું. પૃથ્વી શોના લહેજાની નકલ કરીને પૃથ્વીએ કહ્યું હતું કે, અરે ભાઈ, વો બડા તગડા પ્લેયર હૈ એવું ઈશાન કહેતો હોય છે. પૃથ્વી શોએ ‘અપના ટાઈમ આયેગા’ રેપ સોંગ ગાઈને સૌને ખુશ કરી દીધા હતા. કપિલે પણ પૃથ્વી શોની સિંગિંગ ટેલેન્ટની પ્રસંશા કરી હતી.