ICC World Test Championship: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે જાહેર કરાયા મુજબ વર્ષ 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ઓવલમાં રમાશે. આ ફાઈનલ મેચ જૂન 2023માં યોજાશે. આ પછી 2025ની ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇલન લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન અત્યાર સુધીમાં અનેક મેચ યોજી ચૂક્યું છે.
આઈસીસી દ્વારા કરાઈ જાહેરાતઃ
આજે બુધવારે ICC દ્વારા વર્ષ 2023 અને વર્ષ 2025માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના સ્થળની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં વર્ષ 2023માં ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ટોચ પર રહેલી બે ટીમો વચ્ચે ટક્કર થશે. ઓવલમાં 2004 અને 2017ની આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ યોજાઈ હતી. આ પછી 2025ની ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇલન લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન અત્યાર સુધીમાં અનેક મેચ યોજી ચૂક્યું છે. જેમાં 2019ના આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલનો પણ સમાવેશ થાય છે.
લોર્ડ્સના મેદાનનું ભારત સાથે પણ એક ખાસ કનેક્શન છે. ભારતે સૌરવ ગાંગુલીની કેપ્ટનશિમાં આ મેદાન પર નેટવેસ્ટ ટ્રોફી જીતી હતી. તે સમયે ગાંગુલીએ શરીર પરથી ટીશર્ટ ઉતારીને બાલ્કનીમાં લહેરાવ્યું હતું. ભારતે 1983નો વર્લ્ડકપ પણ આ મેદાન પર જ જીત્યો હતો.
WTC પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને:
ઓસ્ટ્રેલિયા WTC પોઈન્ટ ટેબલમાં 70 પોઈન્ટની ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટકાવારી 60 છે. તે પછી શ્રીલંકા (53.33%), ભારત (52.08%) અને પાકિસ્તાન (51.85%) આવે છે. ઈંગ્લેન્ડની ટીમ 38.6% સાથે સાતમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ (50%) અહીં છઠ્ઠા નંબર પર છે. તે જ સમયે, ન્યુઝીલેન્ડ (25.93%) આઠમા સ્થાને છે. અહીં બાંગ્લાદેશ (13.33%) છેલ્લા સ્થાને છે.
આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવે શું કહ્યું
આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે, અમે આવતા વર્ષે ઓવલ ખાતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનું આયોજન કરતાં આનંદ અનુભવીએ છીએ. આ મેદાનનો સમૃદ્ધ વારસો અને અદભૂત વાતાવરણ ધરાવે છે, જે કૅલેન્ડર પર આવા મહત્વપૂર્ણ મેચના આયોજન માટે એક આદર્શ સ્થળ ગણાય છે. તેના પગલે અમે 2025ની ફાઇનલને લોર્ડ્સમાં લઈ જઈશું જે અંતિમ ટેસ્ટ માટે યોગ્ય બેકડ્રોપ આપશે."