Tilak Varma T20I record: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે ૨ વિકેટે શાનદાર જીત મેળવી. આ મેચમાં યુવા બેટ્સમેન તિલક વર્માએ અણનમ ૭૨ રનની ધમાકેદાર ઈનિંગ રમી ટીમને વિજય અપાવ્યો હતો. આ સાથે જ તિલકે T20 ઈન્ટરનેશનલમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
૧૬૬ રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત થોડી ખરાબ રહી હતી અને એક છેડેથી વિકેટો પડતી રહી હતી. પરંતુ તિલક વર્માએ બીજા છેડેથી રનની ગતિ જાળવી રાખી અને ટીમને જીત તરફ દોરી ગયો. આ ઈનિંગના આધારે તિલકે T20 ઈન્ટરનેશનલમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
તિલક વર્મા T20 ઈન્ટરનેશનલમાં પોતાની છેલ્લી ચાર ઈનિંગ્સમાં એક પણ વખત આઉટ થયો નથી. તેનો સ્કોર ૧૦૭, ૧૨૦, ૧૯ અને ૭૨ રન છે. આમ, તેણે આઉટ થયા વિના કુલ ૩૧૮ રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં ફુલ મેમ્બર ટીમ પ્લેયર તરીકે આ સિદ્ધિ મેળવનાર તિલક પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મામલામાં તિલકે ન્યૂઝીલેન્ડના ખેલાડી માર્ક ચેપમેનનો રેકોર્ડ તોડ્યો છે, જેણે ચાર ઈનિંગ્સમાં ૨૭૧ રન બનાવ્યા હતા અને પછી આઉટ થયો હતો. આ યાદીમાં એરોન ફિન્ચનું નામ પણ છે, જેણે બે ઇનિંગ્સમાં ૨૪૦ રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ સામેની આ શાનદાર મેચ વિનિંગ ઈનિંગ માટે તિલક વર્માને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. મેચ પછી તિલકે કહ્યું કે વિકેટ પર ડબલ બાઉન્સ હતો. તેણે એક દિવસ પહેલા મુખ્ય કોચ સાથે આ વિશે વાત કરી હતી અને કોચે તેને પરિસ્થિતિ પ્રમાણે રમવાની સલાહ આપી હતી. તિલકે વધુમાં જણાવ્યું કે પીચ પર ડાબા અને જમણા હાથના બેટ્સમેનો હોવાથી બોલરો માટે લાઇન જાળવવી મુશ્કેલ હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં પણ આવી પરિસ્થિતિમાં રમવાનો અનુભવ હોવાનું જણાવ્યું હતું, જ્યાં બેટિંગ વધુ મુશ્કેલ હોય છે. નેટમાં કરેલી સખત પ્રેક્ટિસનું પરિણામ આજે જોવા મળ્યું તેમ પણ તેણે ઉમેર્યું હતું. બિશ્નોઈએ ચોગ્ગો ફટકારીને મેચ પૂરી કરી તે બદલ તિલકે તેનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો....
ચેન્નાઈ T20 પહેલા ભારતને મોટો ફટકો: ઇજાગ્રસ્ત થતાં રિંકુ-નીતીશ બહાર, જાણો કોને મળી તક