TNPL T20 Video: આઇપીએલ પુરી થયા બાદ હવે અત્યારે ભારતમાં બીજી એક પ્રીમિયર લીગ ચાલી રહી છે, ખરેખરમાં અત્યારે તામિલનાડુ પ્રીમિયર લીગ 2023ની શરૂઆત થઇ ગઇ છે. આ લીગમા નવી સિઝન શરૂઆતથી જ ચર્ચામાં રહી છે, આ પહેલા આ લીગની પહેલી જ મેચમાં અભિષેકે એક બૉલમાં 18 રન આપ્યા અને આ લીગ ચર્ચામાં આવી. હવે રવિચંદ્રન અશ્વિને એક જ બૉલમાં બીજી વખત રિવ્યૂ લઈને બધાને ચોંકાવી દીધા છે. આ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન લીગમાં ખેલાડીઓ અને અધિકારીઓ વચ્ચેની વાતચીત અને નિયમો વચ્ચેની ગૂંચવણોએ પણ ફેન્સને ખૂબ મનોરંજન પુરુ પાડ્યુ છે. 


કૉઈમ્બતુરમાં ડીન્ડીગુલ ડ્રેગન અને Ba11C ત્રિચી વચ્ચેની મેચ દરમિયાન એક જ બૉલ પર બે DRS લેવામાં આવ્યા હતા. જે અગાઉ ક્યારેય જોવા નથી મળ્યુ. ભારતના અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને એ જ બૉલ પર બીજીવાર ડીઆરએસ લેવાનું નક્કી કર્યું, કારણ કે ત્રીજા અમ્પાયરે બેટ્સમેનના DRS બાદ મેદાન પરના એમ્પાયરના નિર્ણયને પલટી નાખ્યો અને તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો.


ત્રિચીની બેટિંગ દરમિયાન 13મી ઓવરમાં અશ્વિન બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર બેટ્સમેન રાજકુમારે મોટો શોટ મારવાની કોશિશ કરી પરંતુ બોલ મિસ થઇ ગયો અને વિકેટકીપર પાસે ગયો. આવી સ્થિતિમાં વિકેટકીપર અને અશ્વિને કેચ આઉટ માટે અપીલ કરી હતી અને ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. પરંતુ બેટ્સમેને આ નિર્ણય સામે ડીઆરએસ લેવાનું નક્કી કર્યું હતું. ટીવી રિપ્લે જોયા પછી થર્ડ અમ્પાયરે સંમતિ આપી હતી કે બોલ બેટને નહીં પરંતુ જમીન પર અથડાવાના કારણે અલ્ટ્રા એજ પર લાઈન દેખાય છે. થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી નાખ્યો અને બેટરને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ પછી તરત જ થર્ડ અમ્પાયરે બેટરને નોટ આઉટ આપતાની સાથે જ અશ્વિને તેના વતી DRS લીધું હતું.


અશ્વિને આ પછી ફિલ્ડ અમ્પાયર સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. અશ્વિન બંને ફિલ્ડ અમ્પાયરો સાથે હળવી દલીલ કરતો જોવા મળ્યો હતો. તે પછી થર્ડ અમ્પાયરે બીજી વખત ટીવી રિપ્લેમાં કેચ જોયો અને ફરીથી બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો. થર્ડ અમ્પાયરનું માનવું હતું કે બોલ બેટ સાથે અથડાતો ન હતો પરંતુ બેટ જમીન પર અથડાતો હોવાને કારણે અલ્ટ્રા એજ પર હિલચાલ દેખાઈ રહી હતી.






આવી સ્થિતિમાં ફરી એકવાર અશ્વિને લીધેલા DRS પર બેટરને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અશ્વિન શાંત થયો અને દલીલો ત્યાં જ છોડી દીધી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ મેચમાં અશ્વિનની ટીમને 6 વિકેટથી જીત મળી હતી.






-