માઉન્ટ મૌંગાનુઈ ખાતે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બેઝબોલનો નજારો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દિવસે બેટિંગ કરતા 9 વિકેટે 325 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે 37 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ સરસાઈ સંભાળી અને ઈંગ્લેન્ડને પોતાની શૈલીમાં જવાબ આપ્યો હતો. જ્યાં બીજા દિવસે કોનવેએ અડધી સદી ફટકારી હતી, તો ટોમ બ્લન્ડેલે તોફાની બેટિંગ કરતાં સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 306 રન બનાવવામાં સફળ રહી હતી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગના આધારે કિવી ટીમ 19 રન પાછળ હતી.






બ્લન્ડેલે શાનદાર સદી ફટકારી હતી


ટેસ્ટ મેચના પહેલા દિવસે જ્યારે ન્યૂઝીલેન્ડની 37 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે કિવી ટીમ બીજા દિવસે જલ્દી આઉટ થઈ જશે. પરંતુ ટીમના ભરોસાપાત્ર બેટ્સમેન ડેવોન કોનવે અને ટોમ બ્લન્ડેલે તમામ અટકળોને પલટી નાખી હતી. કોનવેએ 77 રનની ઇનિંગ રમી હતી. વિકેટ કીપર બેટ્સમેન ટોમ બ્લન્ડેલ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આક્રમક અભિગમ અપનાવતા તેણે 138 રન બનાવ્યા હતા. પોતાની સદીની ઇનિંગ્સમાં તેણે 19 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. ડે/નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ વિકેટ કીપર બેટ્સમેન છે.


ન્યૂઝીલેન્ડે જડબાતોડ જવાબ આપ્યો હતો


બેન સ્ટોક્સ ટેસ્ટ કેપ્ટન બન્યા અને બ્રેન્ડન મેક્કુલમ મુખ્ય કોચ બન્યા પછી ઈંગ્લેન્ડે ગયા વર્ષે તેમની રમત વ્યૂહરચના બદલી હતી.  ઇંગ્લિશ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગમાં માને છે. છેલ્લી 10-11 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડ આ શૈલીમાં રમ્યું છે. તેમની આ વ્યૂહરચના બેઝબોલ કહેવાય છે. બેઝબોલ એ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમનું હુલામણું નામ છે. જે હાલમાં ઈંગ્લેન્ડના કોચ છે. મેક્કુલમ પણ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઝડપી બેટિંગમાં માનતો હતો. બેન સ્ટોક્સની ટીમે માઉન્ટ મૌંગાનુઇ ટેસ્ટમાં બેઝબોલ વ્યૂહરચના અપનાવી હતી. ઈંગ્લેન્ડ માટે બેન ડકેટ અને હેરી બ્રુક્સે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પણ ઈંગ્લેન્ડને તેની આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો. કિવી ટીમ માટે ટોમ બ્લન્ડેલે સદી ફટકારી હતી.