U19 World Cup 2022 Final, IND vs ENG: ટીમ ઈન્ડિયાએ 5મી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી નિશાંત સંધુએ અણનમ અડધી સદી ફટકારી હતી. તેની અડધી સદીના મદદથી ભારતે ફાઇનલ મેચ જીતી લીધી હતી. નિશાંતની સાથે શેખ રાશિદે પણ અડધી સદી ફટકારી હતી. જ્યારે રાજ બાવાએ ખતરનાક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતે વર્ષ 2000, 2008, 2012 અને 2018માં પ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને લીધી બેટિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 44.5 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધી 189 રન બનાવ્યા હતા. . ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ રેવે શાનદાર બેટિંગ કરી હતી. જોકે, તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. જેમ્સે 116 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા. જ્યારે જેમ્સ સેલ્સ 34 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 65 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ઓપનર જ્યોર્જ થોમસે 30 બોલમાં 27 રન બનાવ્યા હતા. થોમસે આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા.
ભારતની થઈ હતી નબળી શરૂઆત
ભારતીય ટીમે 47.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયા માટે અંગક્રિશ રઘુવંશી અને હરનૂર સિંહ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન અંગક્રિશ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. જ્યારે હરનૂર 21 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો.ભારત તરફથી નિશાંત સંધુએ શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગની મદદથી ભારતને જીત મળી હતી. સંધુએ 54 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. જ્યારે અંતમાં દિનેશ બાનાએ 5 બોલમાં અણનમ 13 રન બનાવીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે બે સિક્સર પણ ફટકારી હતી. શેખ રશીદે સારું કર્યું. તેણે 6 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન યશ 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 32 બોલમાં ફોર ફટકારી હતી. રાજ બાવાએ 54 બોલમાં 35 રન બનાવ્યા હતા.
રાજ બાવાએ કરી કાતિલ બોલિંગ
ભારત માટે ખતરનાક બોલિંગ કરતા રાજ બાવાએ 5 વિકેટ લીધી હતી. તેણે 9.5 ઓવરમાં 31 રન બનાવ્યા અને મેડન ઓવર પણ કાઢી. જ્યારે રવિ કુમારે 9 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. રવિએ મેડન ઓવર પણ લીધી હતી. કૌશલ તાંબેએ 5 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી.
ભારતની કેવી રહી સફર
અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચતા પહેલા ટીમ ઇન્ડિયાએ ઘણી મોટી ટીમોને હરાવી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને 45 રને હરાવ્યું. જ્યારે આયર્લેન્ડ સામે 174 રનથી જીત મેળવી હતી. તેણે બાંગ્લાદેશને 5 વિકેટે અને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારતે યુગાન્ડાને 326 રનથી હરાવ્યું હતું.