નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટના કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને લઈને હજું પણ સ્થિતિ સ્પષ્ટ નથી. બીસીસીઆઈ સહિત ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓને હજુ પણ આશા છે કે આ વર્ષે આઈપીએલ સિઝન 13નું આયોજન થશે. તેની વચ્ચે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત(યૂએઈ)ના ક્રિકેટ બોર્ડે યજમાનીનો પ્રસ્તાવ મુક્યો છે અને હવે બોર્ડે તેની પુષ્ટી કરી છે.
‘ગલ્ફ ન્યૂ’ અખબારના રિપોર્ટ અનુસાર, યૂએઈના બોર્ડે બીસીસીઆઈ સામે આઈપીએલ -13ના આયોજનનો પ્રસ્તાવ મુક્યો છે. અખબારે બોર્ડના જનરલ સેક્રેટરી મુબશ્શિર ઉસ્માનીના હવાલાથી જણાવ્યું કે, યૂએઈ બોર્ડે ન્યૂટ્રલ વેન્યૂ તરીકે પોતાનો અનુભવ રજૂ કર્યો છે.
અહેવાલામાં ઉસ્માનીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “ભૂતકાળમાં પણ અમીરાત ક્રિકેટ બોર્ડે યૂએઈમાં સફળતાપૂર્વક આઈપીએલ મેચોની યજમાની કરી હતી. ન્યૂટ્રલ વેન્યૂ તરીકે કોઈ દ્વિપક્ષીય સીરીઝ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાનીનો અમારો રેકોર્ડ શાનદાર છે.”
જો કે, યૂએઈ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ દુનિયાની સૌથી અમીર સ્પોર્ટ્સ લીગમાંની એક આઈપીએલની યજમાનીની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં બીસીસીઆઈ સૂત્રોએ પણ કહ્યું હતું કે, બોર્ડ વિદેશમાં પણ લીગનું આયોજન કરવા માટે તૈયાર છે.
યૂએઈમાં 2014માં આઈપીએલ સીઝન દરમિયાન કેટલીક મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ, ચેમ્પિયન ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ સિવાય અનેક દ્વિપક્ષીય સીરીઝ પણ રમાઈ ચૂકી છે.