ભારતીય મૂળના જસકરણે મલ્હોત્રાએ વન ડે ઇન્ટરનેશનલમાં છ બોલમાં છ સિક્સર ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હર્શેલ ગિબ્સ બાદ તે વનડેમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર વિશ્વનો બીજો ખેલાડી છે. અમેરિકા તરફથી રમી રહેલા જસકરણે પપુઆ ન્યૂ ગિની સામે 50મી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે અણનમ 173 રનની ઇનિંગમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે 20 બોલમાં 112 રન બનાવ્યા હતા.


મૂળ પંજાબના જસકરણ મલ્હોત્રાની આ માત્ર 7મી આંતરરાષ્ટ્રીય વનડે મેચ છે. આ મેચ પહેલા 31 વર્ષીયનો સર્વોચ્ચ સ્કોર 18 રન હતો. તેણે આ સિદ્ધિ ઝડપી બોલર ગૌડી ટોકાની ઓવરમાં કરી હતી. તે 5 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 124 બોલનો સામનો કર્યો હતો. મેચમાં પ્રથમ રમતા અમેરિકાએ 9 વિકેટે 271 રન બનાવ્યા હતા. પાપુઆ ન્યૂ ગિનીએ હજુ બેટિંગ કરવાનું બાકી છે.


યુવરાજ સિંહે પણ આ પરાક્રમ કર્યું છે


જસકરણ મલ્હોત્રા પહેલા દક્ષિણ આફ્રિકાના હર્શેલ ગિબ્સે વનડે ક્રિકેટમાં આ પરાક્રમ કર્યું હતું. તેણે 2007માં નેધરલેન્ડ સામે વનડે વર્લ્ડ કપ દરમિયાન આ કર્યું હતું. તે જ સમયે, ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહે 2007ના ટી20 વર્લ્ડ કપમાં આ પરાક્રમ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. આ વર્ષે માર્ચમાં વેસ્ટ ઈન્ડિઝના કેરેન પોલાર્ડે શ્રીલંકા સામે ટી 20 આંતરરાષ્ટ્રીયમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.






વનડે અને ટી20 માં એક પણ અડધી સદી નથી


આ મેચ પહેલા જસકરણ સિંહે 6 વનડે અને 6 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પરંતુ તે બંને ફોર્મેટમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 18 રન હતો જ્યારે ટી 20 માં 38 રન હતા. લિસ્ટ એ ક્રિકેટની વાત કરીએ તો તેણે 26 મેચમાં 20 ની સરેરાશથી 473 રન બનાવ્યા છે. 3 અર્ધસદી ફટકારી છે.