IND vs ENG Semifinal: ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઈનલ મેચ પર વરસાદી વિઘ્ન છે. ગયાનામાં સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બીજી સેમિફાઈનલ માટે કોઈ અનામત દિવસ - રિઝર્વ ડે રાખ્યો નથી, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા કોઈપણ સંજોગોમાં મેચ પૂર્ણ કરવા માટે 250 મિનિટનો વધારાનો સમય ઉમેરવામાં આવ્યો હતો. આ 250 મિનીટનો નિયમ શું છે અને તે કેવી રીતે નક્કી કરશે કે ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ રમાય ?


શું છે 250 મિનીટ રૂલ ? 
ટી20 વર્લ્ડકપની શરૂઆત પહેલા રિઝર્વ ડેની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ICCએ ભારત-ઈંગ્લેન્ડ મેચમાં 250 મિનિટનો નિયમ ઉમેર્યો હતો. આનો અર્થ એ થયો કે જો વરસાદ અથવા અન્ય કોઈ કારણસર મેચ શરૂ થવામાં વિલંબ થાય છે, તો નિર્ધારિત સમયમાં 250 મિનિટનો વધારાનો સમય ઉમેરવામાં આવશે. આ નિયમનો અર્થ એ છે કે ભારત-ઈંગ્લેન્ડ મેચમાં ઓવરોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં અને મેચનો રમવાનો સમય બપોરે 1:10 (ભારતીય સમય) સુધી વધશે.


સેમિફાઇનલ મેચમાં વરસાદની સંભાવના  
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચ ગુયાનામાં રમાશે, જ્યાં વરસાદની 90 ટકા શક્યતા છે. આ સિવાય વાદળોમાં 21 ટકા તોફાન અને વીજળી પડવાની પણ આગાહી છે. ગયાનામાં મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થવાની છે અને સામાન્ય રીતે ટી20 મેચ 3:30 થી 4 કલાકમાં સમાપ્ત થાય છે. પરંતુ 250 મિનિટનો વધારાનો સમય અને 90 ટકા વરસાદની સંભાવનાને કારણે ક્રિકેટ ચાહકોને મેચ શરૂ થવા માટે સતત 6-7 કલાક રાહ જોવી પડી શકે છે. વર્તમાન સંજોગો અનુસાર ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચ શરૂ થવાની આશા ઓછી જણાઈ રહી છે.