BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. અગાઉ BCCI એ ટીમની પસંદગી કરી હતી. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તીએ તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ વરુણ માટે એક યુવા ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા જેના કારણે બધા આશ્ચર્યચકિત થયા છે.


વરુણ ચક્રવર્તી માટે આ ખેલાડીને પડતો મૂકવામાં આવ્યો હતો


ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો છે. એટલે કે યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે યશસ્વી જયસ્વાલ પણ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી વન-ડે સીરિઝનો ભાગ છે. આ શ્રેણીની પહેલી મેચમાં તેને વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. પરંતુ બીજી મેચમાં વિરાટ કોહલીની વાપસી બાદ તેને પ્લેઇંગ 11માંથી બહાર કરી દેવામાં આવ્યો અને હવે તેણે ચેમ્પિયન્સ ટ્રોફીની અંતિમ ટીમમાંથી પણ પોતાનું સ્થાન ગુમાવી દીધું છે.


ટીમ ઈન્ડિયાના રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તી માટે છેલ્લા કેટલાક મહિના ખૂબ સારા રહ્યા છે. IPL 2024માં શાનદાર પ્રદર્શન બાદ તેણે ભારતીય ટીમમાં વાપસી કરી હતી. તે લગભગ 3 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો. તેણે વાપસી પછી T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વરુણ ચક્રવર્તી ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આવી સ્થિતિમાં તેને વન-ડે ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો અને તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.


યશસ્વી જયસ્વાલને કેમ પડતો મૂકવામાં આવ્યો?


BCCI એ પોતાની પ્રેસ રિલીઝમાં યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર રાખવાનું કારણ આપ્યું નથી. બીસીસીઆઈના આ નિર્ણયથી બધા ચોંકી ગયા છે. યશસ્વી જયસ્વાલ તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયા માટે એક મોટો મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જેના કારણે તેને ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝની પહેલી મેચમાં ડેબ્યૂ કરતી વખતે 22 બોલમાં 15 રન પણ બનાવ્યા હતા.


ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય