INDIA vs ENGLAND: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે રવિવારે ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. કેપ્ટન બેન સ્ટોક્સ અને જોની બેરસ્ટોએ ત્રીજા દિવસે ટીમને સારી શરૂઆત અપાવી હતી. કેપ્ટન સ્ટોક્સને નસીબે પણ ઘણો સાથ આપ્યો. તે 10 બોલના ગાળામાં બે વખત કેચ આઉટ થતાં-થતાં બચી ગયો હતો, પરંતુ તે પછી ભારતના કેપ્ટન જસપ્રિત બુમરાહે સ્ટોક્સનો એક શાનદાર કેચ ઝડપી તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. શાર્દુલ ઠાકુરના બોલ પર સ્ટોક્સ કેચ આઉટ થયો હતો.
બેયરસ્ટોએ શાનદાર ઇનિંગ રમીઃ
બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા હતા. આ પછી, આજે પ્રથમ કેટલીક ઓવરોમાં મુશ્કેલીનો સામનો કર્યા પછી, બેરસ્ટો અને સ્ટોક્સે વળતો હુમલો શરૂ કર્યો હતો. બેયરસ્ટોએ 81 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આવી સ્થિતિમાં સ્ટોક્સે પણ ગિયર બદલ્યો અને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું હતું.
શાર્દુલના હાથે કેચ થયોઃ
આ સમયે સ્ટોક્સ 26 બોલમાં 18 રન બનાવીને ક્રિઝ પર હતો. શમીની ઓવરનો પહેલો બોલ મેદાનની બહાર મોકલવાના ઈરાદે સ્ટોક્સે બોલ ફટકાર્યો હતો, પરંતુ બોલ હવામાં અટવાઈ ગયો, પરંતુ શાર્દુલે આ સરળ કેચ છોડ્યો. આ પછી શાર્દુલ 38મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. સ્ટોક્સે ઓવરનો ચોથો બોલ જસપ્રિત બુમરાહના હાથમાં માર્યો હતો, જે મધ્યમાં ઉભેલા હતા, પરંતુ કેપ્ટન બુમરાહે કેચ છોડ્યો હતો.
બુમરાહે શાનદાર કેચ ઝડપ્યોઃ
હવે સ્ટોક્સને બે જીવનદાન મળી ગયા હતા અને તે 35 બોલમાં 25 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. સ્ટોક્સે ફરીથી ઠાકુરની ઓવરના 5મા બોલને મિડ-ઓફની દિશામાં ફટકારવાનો પ્રયાસ કર્યો. આ વખતે અહીં ફિલ્ડીંગ કરી રહેલા જસપ્રિત બુમરાહે કોઈ ભૂલ કરી ન હતી અને ડાબી તરફ ડાઈવ લગાવીને એક શાનદાર કેચ લીધો હતો. આ રીતે શાર્દુલે પોતાનો કેચ છોડવાનો બદલો લીધો.