IND vs ENG First Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર એક ખાસ કારણસર ચર્ચામાં છે. આ વખતે કારણ તેનું બેટિંગ પ્રદર્શન નહીં પણ તેના કાળા મોજા છે. વાસ્તવમાં ગિલ ઇંગ્લેન્ડ સામેની મેચના પહેલા દિવસે કાળા મોજા પહેરીને મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો, જે ICCના ડ્રેસ કોડના નિયમોની વિરુદ્ધ છે.
ICC નિયમોનું ઉલ્લંઘન
ICC પાસે ટેસ્ટ ક્રિકેટમાં ડ્રેસ અંગે કડક માર્ગદર્શિકા છે. ICCના નિયમો અનુસાર, ખેલાડીઓએ મેચ દરમિયાન ફક્ત સફેદ, ક્રીમ અથવા આછા ગ્રે રંગના મોજા પહેરવા પડે છે. MCC નિયમ 19.45 હેઠળ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ બધા રંગો સિવાય, ઘેરા રંગના મોજા પહેરવાની મંજૂરી નથી. આ નિયમ 2023માં લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારથી લગભગ બધા ખેલાડીઓ તેનું પાલન કરી રહ્યા છે.
જોકે, હેડિંગ્લી ટેસ્ટના પહેલા દિવસે શુભમન ગિલ કેમેરાની નજરથી બચી શક્યો નહીં. તે કાળા મોજા પહેરીને બેટિંગ કરતો જોવા મળ્યો જેનાથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો અને પ્રશ્નો ઉભા થયા કે શું આ નિયમનું ઉલ્લંઘન છે? શું આ માટે કોઈ સજા થશે?
શું ICC કોઈ કાર્યવાહી કરશે?
આ મામલે જે પણ નિર્ણય લેવામાં આવશે તે મેચ રેફરી રિચી રિચર્ડસન દ્વારા લેવાનો રહેશે. ICC માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ ખેલાડી દ્વારા ડ્રેસ કોડનું આવું ઉલ્લંઘન લેવલ 1 ગુનો માનવામાં આવે છે. આમાં ખેલાડીને મેચ ફીના 10 ટકા થી 50 ટકા સુધીનો દંડ ફટકારી શકાય છે અને ખેલાડીને ડિમેરિટ પોઈન્ટ પણ આપી શકાય છે.
જોકે, જો મેચ રેફરીને લાગે કે ગિલે આ ભૂલ જાણી જોઈને કરી નથી તો તેને ફક્ત ચેતવણી આપીને છોડવામાં આવી શકે છે. સામાન્ય રીતે ક્રિકેટમાં ડ્રેસ ઉલ્લંઘન માટે કઠોર સજા ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આ ઉલ્લંઘન ટેસ્ટ ટીમના કેપ્ટન દ્વારા જ કરવામાં આવ્યું છે તેથી દરેકની નજર નિર્ણય પર ટકેલી છે.
શાનદાર બેટિંગ પછી નિયમ ઉલ્લંઘનની ચર્ચા
રસપ્રદ વાત એ છે કે એક તરફ શુભમન ગિલે 127 રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી ત્યારે હવે તેના ડ્રેસ કોડના નિયમ ભંગ અંગેની આ નાની ભૂલ ચર્ચાનો વિષય બની ગઈ છે. પ્રથમ દિવસની રમત પછી ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 359 રન કર્યા છે