ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે.  હવે દર્શકો વિરાટ કોહલીની 100મી ટેસ્ટ જોવા માટે સ્ટેડિયમમાં આવી શકશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે આ માહિતી આપી હતી. જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી મોહાલીમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાશે. કોહલીની આ 100મી ટેસ્ટ હશે.


50 ટકા પ્રેક્ષકોની પરવાનગી મળી


મોહાલીમાં રમાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના રોગચાળાને કારણે  અગાઉ આ ટેસ્ટ દર્શકો વિના રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે BCCIએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.



બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, "ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીના પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ ટેસ્ટ બંધ દરવાજા પાછળ નહીં થાય. જો કે, દર્શકોને મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય ક્રિકેટ એસોસિએશનો દ્વારા લેવામાં આવે છે. વર્તમાન સંજોગો અને  વિવિધ પરિબળો પર આધારિત છે."


તેમણે વધુમાં કહ્યું કે, "મેં પંજાબ ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ સાથે વાત કરી છે અને તેઓએ પુષ્ટિ કરી છે કે ક્રિકેટ ચાહકો વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ રમવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકશે."


જય શાહે વિરાટ કોહલીને 100મી ટેસ્ટ માટે અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું કે કોહલી અમારો ચેમ્પિયન ખેલાડી છે. અમને આશા છે કે તે ભવિષ્યમાં પણ દેશ માટે ઘણી મેચ રમશે.


પ્રથમ ટેસ્ટ 4 માર્ચે મોહાલીમાં 9.30 કલાકે શરૂ થશે. ટોસ 9 કલાકે થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. હિન્દીમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 પરથી મેચનું પ્રસારણ જોઈ શકાશે. આ ઉપરાંત લાઈવ સ્ટ્રિમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર અને જિયો ટીવી પરથી નીહાળી શકાશે.


રોહિત શર્માની નજર ટેસ્ટ શ્રેણીની પ્લેઇંગ ઇલેવન પર મંડાઈ છે. કયા ક્રમે કયા બેટ્સમેનને ઉતારવો તેના પર વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. ભારત મિડલ ઓર્ડરમાં વર્ષો પછી પુજારા અને રહાણે વગર રમશે. જેના પરિણામે નવી બેટિંગ લાઇનઅપ જોવા મળશે. રોહિત શર્મા પુજારા અને રહાણેના સ્થાને હનુમા વિહારીને તક આપી શકે છે. શ્રેયસ અય્યરે ટેસ્ટ કરિયરની પ્રથમ મેચમાં જ સદી ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી હતી તેમ છતાં ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા રાહ જોવી પડી શકે છે. જો અય્યરને સમાવાશે તો વિહારીને બહાર બેસવું પડી શકે છે.