Virat Kohli 7 records list: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 14 જુલાઈથી રમાનારી રોમાંચક વનડે શ્રેણીને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ શ્રેણીમાં ક્રિકેટ પ્રેમીઓની નજર ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ‘કિંગ’ વિરાટ કોહલી પર ટકેલી રહેશે. તેનું મુખ્ય કારણ એ છે કે વિરાટ કોહલી લાંબા સમયના એટલે કે લગભગ 6 મહિનાના બ્રેક બાદ ફરી એકવાર બ્લુ જર્સીમાં મેદાન પર ધમાકો કરવા માટે સજ્જ થયો છે. ઇંગ્લેન્ડની ધરતી પર વિરાટનો જૂનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે, તેથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાનારી પ્રથમ વનડેમાં તેની પાસેથી એક મોટી અને ધમાકેદાર ઇનિંગ્સની આશા રાખવામાં આવી રહી છે.
દુનિયાભરમાં ‘રેકોર્ડ મશીન’ તરીકે જાણીતો વિરાટ કોહલી દર મેચે ક્રિકેટના ઇતિહાસમાં કંઈક નવું પાનું લખતો હોય છે. 14 જુલાઈથી શરૂ થઈને 19 જુલાઈ સુધી ચાલનારી આ 3 મેચોની ટૂંકી વનડે શ્રેણીમાં કોહલીના નિશાના પર એક કે બે નહીં, પરંતુ પૂરા 7 મોટા રેકોર્ડ્સ રહેલા છે. જો આ સીરીઝમાં તેનું બેટ ચાલશે તો ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરથી લઈને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોના રેકોર્ડ ધ્વસ્ત થઈ જશે.
વિરાટ કોહલીના નિશાના પર રહેલા આ 7 મોટા રેકોર્ડ્સ પર નજર કરો:
- સૌથી ઝડપી 15,000 વનડે રન: વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 15,000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં સચિન તેંડુલકર (377 ઇનિંગ્સ) ના નામે છે. જ્યારે વિરાટે અત્યાર સુધી 299 ઇનિંગ્સમાં 14,797 રન બનાવી લીધા છે. આ શ્રેણીમાં તે માત્ર 203 રન બનાવતાની સાથે જ સચિનનો આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
- લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદી: લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ 60 સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે, જ્યારે વિરાટ પાસે હાલ 59 સદી છે. જો વિરાટ આ શ્રેણીમાં 2 સદી ફટકારે છે તો તે સચિનને પાછળ છોડી દેશે.
- ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ઇન્ટરનેશનલ સદી: ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને સૌથી વધુ 9 સદી ફટકારેલી છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા 8-8 સદી સાથે બીજા સ્થાને છે. વિરાટને ટોચ પર પહોંચવા માટે વધુ 2 સદીની જરૂર છે.
- નંબર 3 પર રમતા 16,000 રન: વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા કુલ 15,919 રન બનાવ્યા છે. આ પોઝિશન પર પોતાના 16,000 રન પૂરા કરવા માટે તેને હવે માત્ર 81 રનની જ દરકાર છે.
- ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ 50+ સ્કોર: ઇંગ્લેન્ડ સામે વનડેમાં સૌથી વધુ 15 વખત પચાસ કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે, જ્યારે વિરાટે 13 વાર આ કારનામું કર્યું છે. સંગાકારાને પછાડવા માટે વિરાટે આ શ્રેણીમાં 3 અડધી સદી ફટકારવી પડશે.
- ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ રન (ભારત માટે): ઇંગ્લેન્ડમાં ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ 1,428 વનડે રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. વિરાટ કોહલી હાલ રોહિતથી માત્ર 79 રન પાછળ છે, જે તે સરળતાથી વટાવી શકે છે.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા: વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,772 ચોગ્ગા માર્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 2,781 ચોગ્ગા સાથે ત્રીજા સ્થાને છે. આ સીરીઝમાં માત્ર 10 ચોગ્ગા ફટકારીને વિરાટ પોન્ટિંગને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચી જશે.
