Kohli ODI Record: વિરાટ કોહલી આજે સદી ફટકારી અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. વિરાટની તુલના આજે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન સાથે થવા લાગી છે. તો બીજી તરફ આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીની વાત કરીએ તો વિરાટ આગળ માત્ર સચિન જ જેમણે તેનાથી વધુ સદી ફટકારી છે. જો કે હાલમાં જે ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છે તેમા કોઈ પણ ખેલાડી સદીના મામલે કોહલીની આસપાસ પણ નથી. સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવામાં વિરાટ કોહલી ટોચ પર છે.
સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી વિરાટના નામે
1) વિરાટ કોહલી - 74*
2) ડેવિડ વોર્નર - 45
3) જો રૂટ - 44
4) સ્ટીવ સ્મિથ - 42
5) રોહિત શર્મા - 41
ક્રિકેટ જગતમાં સૌથી વધુ સદી ફટકારવામાં આ 3 દિગ્ગજો અવ્વલ
વિરાટ કોહલી તેના જુના ફોર્મમાં પાછો ફર્યો હોય તેમ ફરી એકવાર રનનો વરસાદ વરસાવી રહ્યો છે. કોહલીએ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં સદી ફટકારી હતી. તેને માત્ર 110 બોલમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે અણનમ 166 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીની આ 74મી આંતરરાષ્ટ્રીય અને ODIની 46મી સદી છે. આ મેચમાં 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલી હવે માત્ર સચિન તેંડુલકરથી જ પાછળ છે. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોંટિંગનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
વિરાટ કોહલીએ આજે ફટકારેલી સદી દરમિયાન તેણે 117.65ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ મેચમાં કોહલી શરૂઆતથી જ શાનદાર લયમાં જોવા મળ્યો હતો. 2023માં તેના બેટથી આ બીજી સદી છે. આ અગાઉ પણ તેણે શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. કોહલી છેલ્લી ચાર વન ડે મેચમાં ત્રણ સદી ફટકારી ચુક્યો છે. આમ તે તેની જુની લયમાં નજરે પડી રહ્યો છે. આ અગાઉ કોહલી અત્યંત ખરાબ ફોર્મને લઈ ઝઝુમી રહ્યો હતો. તેને એક એક રન બનાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પરંતુ હવે તે ફરી એકવાર શાનદાર ફોર્મમાં પાછો ફર્યો છે.
પહોંચી ગયો સચિનના રેકોર્ડની નજીક
આ સદી સાથે વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. સચિન તેંડુલકરે તેની ODI કારકિર્દીમાં કુલ 49 ODI સદી ફટકારી છે. હવે કોહલીએ તેની 46મી ODI સદી ફટકારી છે. સચિનનો રેકોર્ડ તોડવા માટે તેને હવે માત્ર 4 ODI સદીની જરૂર છે. જે રીતે કોહલીનું ફોર્મ જોવા મળી રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે તે 2023માં જ સચિનનો રેકોર્ડ આ રેકોર્ડ સરળતાથી તોડી શકે છે.
પોન્ટિંગનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત
આ અગાઉ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોંટિંગનો રેકોર્ડ તોડી ચુક્યો છે. પોંટિંગે તેની કારકિર્દી દરમિયાન વન ડે ફોર્મેટમાં 30 સદી ફટકારી હતી. પોંટિંગ ક્રિકેટ કારકિર્દીમાં 73 સદી ફટકારી ચુક્યો છે. સૌથી વધુ સદીની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર 100 સદી સાથે દુનિયામાં પહેલાક્રમે છે. સચિન વન ડેમાં 49 સદી અને ટેસ્ટમાં 51 સદી ફટકારી ચુક્યો છે. જ્યારે વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં વન ડેમાં 46મી સદી ફટકારી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં 27 સદી ફટકારી ચુક્યો છે અને કોહલીના નામે T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 સદી બોલે છે. આમ તેને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 74મી સદી ફટકારી છે. જે સચિન બાદ બીજા ક્રમે છે.