World cup 2023: ભારતીય ક્રિકેટ ટીમ આજે વિશ્વ કપ (ICC Cricket World cup 2023)માં તેની આઠમી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી રહી છે. ભારત અને આફ્રિકન ટીમ વચ્ચે આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખાસ છે કારણ કે તે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના જન્મદિવસ પર વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. કિંગ કોહલીએ ભારતમાં પોતાના 6 હજાર ODI આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા.






વિરાટ કોહલીએ ભારતમાં તેની 119મી મેચની 116મી ઇનિંગમાં આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. આ દરમિયાન તેણે ભારતની ધરતી પર 22 સદી ફટકારી છે. વિરાટ કોહલીનું બેટ જોરદાર ચાલી રહ્યું છે. વિરાટ કોહલીએ આફ્રિકન ટીમ સામે પણ પોતાના બેટથી  આ ખાસ રેકોર્ડ બનાવ્યો છે.


તે સચિન તેંડુલકર પછી વિશ્વ ક્રિકેટમાં બીજો બેટ્સમેન છે જેણે ઘરઆંગણે વન ડેમાં 6 હજાર રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે પણ ભારતની ધરતી પર રમતા ODIમાં 6 હજાર રન બનાવ્યા હતા. સચિનના નામે ભારતીય ધરતી પર 6976 રન છે.


તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વર્તમાન ODI વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. તેના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ઈડન ગાર્ડનમાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. મેચની શરૂઆત પહેલા કોહલીના ફેન્સ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે. આ ટીમ આ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.


ભારતીય ટીમનું શાનદાર ફોર્મ જોઈને ચાહકોને પૂરી આશા છે કે આ વખતે ભારત 2011 પછી ત્રીજી વખત ODI વર્લ્ડ કપ જીતશે. જો વિરાટ કોહલીનું બેટ આવું જ ચાલતું રહેશે તો ભારતનું સપનું ચોક્કસપણે સાકાર થશે. 


વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પોતાના 1500 રન પૂરા કર્યા છે અને તે આવું કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા 1500 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. સચિન તેંડુલકરના નામે 45 મેચમાં 2278 રન, રિકી પોન્ટિંગના નામે 46 મેચમાં 1743 રન અને કુમાર સંગાકારાના નામે 37 મેચમાં 1532 રન છે.