Champions Trophy 2025: વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર માત્ર ટીમ જીત પર જ નહીં, પરંતુ એક વ્યક્તિગત માઈલસ્ટોન પર પણ રહેશે. આ મેચમાં કોહલી પાસે વનડે ક્રિકેટના ઇતિહાસમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાની શાનદાર તક છે. દુબઈમાં 9 માર્ચે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ ફાઇનલ મેચ ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ રોમાંચક બની રહેશે, જેમાં સૌની નજર કોહલીના બેટ પર મંડાયેલી હશે.


વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 301 વનડે મેચોમાં 58.11ની સરેરાશથી 14180 રન બનાવ્યા છે. જેમાં 51 સદી અને 74 અડધી સદીનો સમાવેશ થાય છે. હાલમાં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે ત્રીજા સ્થાને છે. જો ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં કોહલી વધુ 55 રન બનાવશે, તો તે શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારાને પાછળ છોડીને બીજા ક્રમે પહોંચી જશે.


કુમાર સંગાકારાએ 404 વનડે મેચોમાં 14234 રન નોંધાવ્યા છે. સંગાકારાએ વર્ષ 2015થી આ સ્થાન જાળવી રાખ્યું છે. જો કોહલી આ મેચમાં 55 રન બનાવશે, તો 10 વર્ષ બાદ વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ નોંધાશે.


વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનો:


સચિન તેંડુલકર: 18426 રન


કુમાર સંગાકારા: 14234 રન


વિરાટ કોહલી: 14180 રન


રિકી પોન્ટિંગ: 13704 રન


ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 4 મેચોમાં 217 રન બનાવ્યા છે અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને છે. ઇંગ્લેન્ડનો બેન ડકેટ 227 રન સાથે ટોચ પર છે, પરંતુ ઇંગ્લેન્ડ ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર 226 રન સાથે બીજા સ્થાને છે, અને જો રૂટ 225 રન સાથે ત્રીજા સ્થાને છે. કોહલી પાસે ફાઇનલમાં આ ત્રણેય ખેલાડીઓને પાછળ છોડીને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની પણ તક છે. જોકે, ફોર્મમાં રહેલા રચિન રવિન્દ્ર તરફથી તેને સખત સ્પર્ધા મળી શકે છે.


ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ વિરાટ કોહલી માટે એક ઐતિહાસિક ક્ષણ બની શકે છે. ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું કોહલી સંગાકારાના રેકોર્ડને તોડી શકશે અને વનડે ક્રિકેટમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે.


આ પણ વાંચો....


Champions Trophy: શું ફાઈનલ પહેલા જ ન્યુઝીલેન્ડે હાર માની લીધી? ટીમનું આ બહાનું સાંભળીને તમે પણ ચોંકી જશો