Kohli on Srivalli Dance Step: ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન બેટિંગમાં ભલે ખાસ કમાલ બતાવી શકતો ન હોય પરંતુ મેદાન પર સૌનું મનોરંજન કરતો રહે છે. બીજી વન ડેમાં કોહલીએ માત્ર 18 રન જ બનાવ્યા હતા. અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાના શ્રીવલ્લી હુક સ્ટેપ ક્રિકેટર્સને ખૂબ પસંદ આવી રહ્યા છે અને આ સ્ટેપ કરનારા ખેલાડીના લિસ્ટમાં કોહલીનું નામ સામેલ થઈ ગયું છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન ડેમાં વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં ઓડિયન સ્મિથનો કેચ કોહલીએ કર્યો હતો. જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. આ બાદ કોહલી શ્રીવલ્લી ડાંસ મૂવ્સ કોપી કરતો નજરે પડ્યો હતો. જેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.






ભારતે 2022માં જીતી પ્રથમ શ્રેણી


મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારતે આ મેચમાં કેએલ રાહુલનો સમાવેશ કર્યો હતો અને ઈશાન કિશનને પડતો મૂક્યો હતો. તે સિવાય કોઈ બદલાવ કરવામાં આવ્યો નહોતો. ભારતીય ટીમમાં રોહિત શર્મા સાથે રિષભ પંત ઓપનિંગમાં આવ્યો હતો. રોહિત શર્મા  5 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પંત (18 રન) અને કોહલી (18 રન) બનાવી એક જ ઓવરમાં આઉટ થતાં ભારતને સ્કોર 3 વિકેટના નુકસાન પર 43 રન થયો હતો. જે બાદ લોકેશ રાહુલ (49 રન) અને સૂર્યકુમાર યાદવ (64 રન) એ ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.  વોશિંગ્ટન સુંદર 24 રન બનાવ્યા હતા. 238 રનના લક્ષ્યાંક સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 46 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 12 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને દીપક હુડાએ એક-એક વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ વન ડે પણ જીતી હતી. બીજી વન ડે જીતવાની સાથે ભારતે 2022માં પ્રથમ સીરિઝ જીતી છે. ત્રીજી અને અંતિમ વન ડે શુક્રવારે રમાશે. આ મેચમાં ભારત અન્ય ખેલાડીઓને મોકો આપી શકે છે.